મુસી
કોંગોમાં એક બોટ પલટવાથી તેમાં સવાર 25 લોકોના મોત થઈ ગયા છે. આમાં ઘણા ફૂટબોલ ખેલાડી પણ હતા. અહેવાલ અનુસાર, ખેલાડી રવિવારે રાત્રે માઈ-ન્ડોમ્બે પ્રાંતના મુસી શહેરમાં એક મેચ રમીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ક્વા નદીમાં તેમણે લઈ જતી બોટ પલટી ગઈ હતી.
મુસી વિસ્તારના સ્થાનિક અધિકારી અનુસાર, બોટ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, ઘણા લોકો હજુ પણ ગુમ છે અને તેમને શોધવા માટે શોધ કામગીરી ચાલુ છે. કોંગોમાં આવા બોટ અકસ્માતો સામાન્ય છે, ખાસ કરીને જ્યારે રાત્રે બોટમાં ભીડ હોય છે.
કોંગોમાં નદીઓ સ્થાનિક લોકો માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં જ્યાં રસ્તાઓ અને અન્ય પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ નથી. કોંગોની 10 કરોડથી વધુ વસ્તી તેની નદીઓ પર નિર્ભર છે, પરંતુ સલામતી સાધનોના અભાવ અને બોટોમાં વધુ પડતી ભીડને કારણે આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે.
આ દુર્ઘટના પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં લાઈફ જેકેટની ખામી, અતિશય ભીડ અને બેદરકારી સામેલ છે. સાથે જ, ઝડપી વાવાઝોડા જેવી કુદરતી આફતો પણ સ્થિતિને વધુ ગંભીર બનાવી દે છે, જેનાથી બોટ પાલટવાનું જોખમ વધી જાય છે.
કોંગોમાં બનેલી આ દુર્ઘટનાએ ફરી એક વાર દેશની બોટ સુરક્ષાની ગંભીર સમસ્યાને ઉજાગર કરી છે. આ અકસ્માત તે હજારો લોકોને ચેતવણી છે, જે પરિવહન માટે નદીઓ પર આધાર રાખે છે. ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે, અને આ દુર્ઘટના ફરી એક વાર સુરક્ષા ઉપાયોને લાગુ કરવાની જરૂર પર જોર આપે છે.