કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના પ્રોજેક્ટના ભાગરૂપે રેલવે દ્વારા મ્યુનિ.ના સહયોગથી વર્ષો જૂના કાલુપુર અને સારંગપુર બ્રિજ તોડીને 440 કરોડના ખર્ચે ફોર લેન બનાવાશે. રેલવે દ્વારા પ્રથમ તબક્કામાં જાન્યુઆરીથી સારંગપુર બ્રિજ વાહનચાલકો માટે બંધ કરી તેને તોડીને કામ શરૂ કરવાની રેલવેની તૈયારી છે. જો કે, આ વચ્ચે સ્થાનિક ધારાસભ્યએ કહ્યું કે, બ્રિજ 4 લેનના બદલે 6 લેનનો કરવાની માગણીના પગલે મ્યુનિ. દ્વારા સરવે હાથ ધરાયો છે.
રેલવે દ્વારા કરાયેલા આયોજન મુજબ શહેર પોલીસ દ્વારા રોડ ડાયવર્ઝન આપ્યા બાદ જાન્યુઆરીથી આ કામગીરી શરૂ કરવાનું આયોજન હતું. સ્થાનિક ધારાસભ્યની 6 લેનની માગણીના આધારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ બ્રિજના નિર્માણ અંગે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, સારંગપુર બ્રિજની કામગીરી શરૂ થનાર છે ત્યારે બન્ને બ્રિજ 4 લેનના બદલે 6 લેનના કરવા માટે મ્યુનિ.એ સરવે શરૂ કર્યો છે. જેના કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે અને ખર્ચ પણ વધી જશે.
સારંગપુર અને કાલુપુર બ્રિજ ફોર લેનના બદલે 6 લેનના કરવા માટે સરવેની કામગીરી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ બ્રિજ 6 લેન કરવા માટે ત્યાં અનેક મકાન અને દુકાન તોડવી પડે તેવી શક્યતા છે. જેમાં સારંગપુર બ્રિજ ખાતે આશરે 200 તેમજ કાલુપુર બ્રિજ ખાતે 250થી વધુ મિલ્કતો કપાતમાં જશે. આટલું જ નહીં જો આ મિલકતો ખસેડવાની જરૂર પડશે તો માલિકને નિયમ મુજબ જરૂરી વળતર આપવાની જરૂરિયાત ઉભી થશે. આ તમામ પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતા છે.