Stock Today

કાંટાળી કેડીને પુષ્પાચ્છાદિત બનાવવા માટે કર્મસંગ્રામ ખેલવો પડેઃપંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજ

શ્રી વિરમગામ શ્વે. મૂ. પૂ. જૈન સંઘના આરાધના ભવનમાં જૈનાચાર્ય પૂ. ચન્દ્રજિતસૂરિજી મહારાજ અને પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજ આદિ ૯ શ્રમણ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૫૯૩ મા વિશ્વ વંદનીય પ્રભુ મહાવીરદેવના દીક્ષા કલ્યાણકની ભવ્ય ઉજવણી થઈ હતી. પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે આ પાવન પ્રસંગે જણાવ્યું હતું કે, સાધનાની કેડી કાંટાળી છે. કાંટાળી કેડીને પુષ્પાચ્છાદિત બનાવવા માટે કર્મસંગ્રામ ખેલવો પડે. પ્રભુ મહાવીરે સાડાબાર વર્ષ સુધી કર્મો સામે બહારવટું ખેલ્યું હતું. સાધનાના માર્ગમાં સફળ થવા સત્વ ફોરવવું જોઈએ. પ્રભુ મહાવીરદેવે જગત માત્રને સુખી કરવા માટે જાતને ઘસીને જગતનું કલ્યાણ કર્યું હતું.

પ્રભુ મહાવીરદેવે રૂડા રાજમહેલના વૈભવી સુખોનો ત્યાગ કરી સાધનાનું જીવન સ્વીકાર્યું હતું. દુઃખોના દાવાનળમાં સેકાતા જીવો ઉપર પ્રભુની અપાર કરૂણા હતી. કરૂણા અને વૈરાગ્ય સાધનાના સમયમાં ટોચ કક્ષાએ જોવા મળે છે. જગતનાં જીવોની દુઃખમુકિત અને દોષમુક્તિ એ પ્રભુવીરનું લક્ષ્ય હતું. આ લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રભુએ સાડા બાર વર્ષ સુધી હસતે મુખે કષ્ટોને સહન કર્યા હતા. સાધના- કાળ દરમ્યાન પ્રભુએ આ જગનને ત્રણ સંદેશ પાઠવ્યા હતા. સંક્ટોનો સામનો નહીં પણ સ્વીકાર કરજો. જગતને પમાડવા માટે સ્થૂલબળ નહીં પણ સુક્ષ્મબળ જોઈશે. અત્યારે લાઠી કરતાં પલાઠી ની વધારે જરૂર છે. સંકટોને આજનો માણસ કંટક સ્વરૂપે જુવે છે માટે જ દુઃખી થાય છે. આફતને જે અવસર બનાવે છે તે જ સાચા અર્થમાં મહાવીર છે.

સાધનાના કાળમાં શત્રુને પણ મિત્ર બનાવવાની કળા પ્રભુ મહાવીરે સિદ્ધ કરી હતી. વાસ્તવમાં આપણા બાહ્ય શત્રુઓ કોઈ છે જ નહીં. આપણે જ માનસિક રીતે શત્રુઓ ઊભા કર્યા છે. આંતરરશત્રુઓ જ આપણા સાચા અર્થમાં શત્રુઓ છે. શત્રુઓને પણ મૈત્રી અને પ્રેમ દ્વારા વશ કરવાની સાધના પ્રભુવીરે કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top