દેશના તમામ કરદાતાઓ તેમની જવાબદારી સારી નિભાવી રહ્યાં છે. દર વર્ષે કરદાતાઓ ટેક્સ ભરવાના મામલે સતત રેકોર્ડ બનાવી રહ્યા છે. જો આપણે આંકડાઓની વાત કરીએ તો વર્તમાન સમયમાં એટલે કે નાણાકીય વર્ષના 224 દિવસમાં દર કલાકે સરેરાશ 225 કરોડ રુપિયા જમા થયા છે. એટલે તે 7 મહિના અને 10 દિવસમાં 12 લાખ કરોડ રુપિયાથી વધુનો ટેક્સ જમા થયો છે. જેમાં રુપિયા 5 લાખ કરોડથી વધુ કોર્પોરેટ ટેક્સ અને રુપિયા 6.50 લાખ કરોડથી વધુ નોન – કોર્પોરેટ ટેક્સનો પણ સમાવેશ થાય છે. તો આજે આપણે જાણીશું કે આજે આ વર્ષે સરકારની તિજોરીમાં કેટલા રુપિયા રોકાયા છે?
આ વર્ષે ભારતમાં 1 એપ્રિલથી 10 નવેમ્બરની વચ્ચે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 15.41 ટકા વધ્યુ છે એટલે કે 12.11 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ની આપેલી માહિતી મુજબ તેમાં રુપિયા 5.10 લાખ કરોડનો ચોખ્ખો કોર્પોરેટ ટેક્સ અને 6.62 લાખ કરોડ રુપિયાનો નોન-કોર્પોરેટ ટેક્સ એટલે કે વ્યક્તિ, HUF, પેઢીઓ દ્વારા ચૂકવવામાં આવેલા કર સહિતનો સમાવેશ થાય છે. આંકડાકીય માહિતી અનુસાર એપ્રિલથી નવેમ્બર 10 દરમિયાન ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 21.20 ટકા વધીને 15.02 લાખ કરોડ રુપિયા થયું છે.
આ સમયગાળા દરમિયાન 2.92 લાખ કરોડ રુપિયા રિફંડ જાહેર કરવામાં આવ્યા હતા, જે એક વર્ષ અગાઉ કરતાં 53 ટકા વધુ છે. રિફંડ માટે એડજસ્ટ કર્યા પછી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (જેમાં કોર્પોરેટ, નોન-કોર્પોરેટ અને અન્ય ટેક્સનો સમાવેશ થાય છે) લગભગ 12.11 લાખ કરોડ રુપિયા છે.
છેલ્લા નાણાકીય વર્ષની તુલનામાં 10.49 લાખ કરોડ કરતાં 15.41 ટકા વધુ છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કરમાંથી રૂ. 22.12 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે ગયા નાણાકીય વર્ષ કરતાં 13 ટકા વધુ છે.
સરકારે નાણાકીય વર્ષ 2024 માટે કેન્દ્રની કુલ કર આવકને 34.4 લાખ કરોડ રૂપિયામાં સુધારી હતી. જે નાણાકીય વર્ષ 2024ના બજેટ અંદાજ કરતાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા વધુ છે. નાણાકીય વર્ષ 2025ના અંદાજ અંગે સરકારે 11.7 ટકાના વધારા સાથે 38.4 લાખ કરોડનું બજેટ કર્યું છે.
કરવેરામાંથી આવકના લક્ષ્યાંકને આવકવેરામાં 16.1 ટકાનો વધારો, કોર્પોરેટ ટેક્સમાં 10.5 ટકાનો વધારો અને કસ્ટમ ડ્યુટીમાં 8.7 ટકાના વધારા દ્વારા સમર્થન મળે છે. નાણાકીય વર્ષ 2024ના સુધારેલા અંદાજની સરખામણીમાં GST કલેક્શનનો લક્ષ્યાંક 11 ટકા વધારીને 10.6 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.