અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઇને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પીઆઇ અને તેનાથી ઉચ્ચ અધિકારીઓ માટે ગાઇડલાઇન બનાવી છે. જેમાં ખાસ મુલાકાતીઓને સાંભાળવા માટેનો સમય ફાળવવા આદેશ કરવામાં આવ્યો છે. પીઆઇથી જેસીપી સુધીના અધિકારીઓએ રોજ 12થી 2 વાગ્યા દરમિયાન અરજદારોને સાંભાળવા પડશે. દરેક પીઆઈએ રોજ રાતે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે. આ દરમિયાન પીઆઈએ પોતાનાં વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોનું ચેકિંગ સહિતની કામગીરી કરવી પડશે.
પોલીસ અધિકારીઓએ દરરોજ બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન હાજર રહી કચેરીમાં આવતા મુલાકાતીઓની રજૂઆતો સાંભળવાની રહેશે. મુલાકાતીઓ અરજી આપે તો તેને સ્વીકારી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પીએસઆઇ અને પીએએ અરજદારોને મળી અરજદારની રજૂઆત સાંભળવાની રહેશે અને અરજી મેળવી અધિકારી સમક્ષ જરૂરી કાર્યવાહી માટે વંચાણે મુકવાની રહેશે.
સામાન્ય રીતે પીઆઈએ સવારના સમયે કોર્ટમાં ગુનાના કામે મુદતે, તપાસનાં કામે સોગંદનામા અર્થે તેમજ અન્ય કામો અંગે હાજર રહેવાનું હોય છે. જેથી તેઓ સવારના 12થી 2 વાગ્યાની વચ્ચે સ્ટેશનમાં આવતા મુલાકાતીઓને કયારેક ના પણ મળી શકે. તેથી પીઆઈએ દરરોજ સાંજે 4થી 6ની વચ્ચે પોતાના સ્ટેશનમાં હાજર રહી મુલાકાતીઓની રજૂઆતો સાંભળવાની રહેશે. અને મુલાકાતી પોતાની રજૂઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.
પીઆઈએ દરરોજ સાંજે 6થી 9 વાગ્યા દરમિયાન પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, ગુનેગારોનું ચેકિંગ, નાસતા-ફરતા આરોપીઓનું ચેકિંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકિંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પોતાના વિસ્તારમાં કરવાની રહેશે. તેમજ આ બાબતે નાયબ પોલીસ કમિશનરે પોતાના તાબાના પોલીસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરવાનું રહેશે.
રાત્રે 12 વાગ્યા સુધી વિસ્તાર છોડી શકશે નહીં
પીઆઈએ દરરોજ રાતે 9થી 12 વાગ્યા સુધી વિસ્તારમાં હાજર રહી પોલીસ સ્ટેશન/તપાસને લગતા અન્ય કામો કરવાના રહેશે. તેઓ પોતાનો પોલીસ સ્ટેશનનો વિસ્તાર રાતના 12 વાગ્યા સુધી કોઇપણ સંજોગોમાં છોડશે નહીં. જો તેઓને કોઈ આકસ્મિક કારણોસર તે સમય દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તાર છોડવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો સંબંધિત નાયબ પોલીસ કમિશનરની પૂર્વમંજુરી મેળવ્યા બાદ જ વિસ્તાર છોડી શકશે.
પીઆઈએ જે દિવસે નાઇટ રાઉન્ડ હોય તેના બીજા દિવસે 12:30 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરજ ઉપર પહોંચી જવાનું રહેશે. તેમજ જ્યારે નાઇટ રાઉન્ડ ના હોય તો સવારે 10 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર પહોંચવાનું રહેશે. આ તમામ આપેલ સૂચનાઓ અમદાવાદ શહેરની તમામ કચેરીઓ તથા પોલીસ સ્ટેશન (ક્રાઇમ, સાયબર, મહિલા અને ટ્રાફિક પોલીસ સ્ટેશન સહિત તમામ)ને લાગુ પડશે.