ક્રૂડનો ભાવ વૈશ્વિક બજારમાં ઘટે એટલે એનો સૌથી વધુ લાભ ભારતને થાય! યાદ છે ને, 2014 માં જળકૃત ખડકોમાંથી ક્રૂડઓઇલ મળી આવ્યાના તથાકથિત અહેવાલોને પગલે ક્રૂડ 100 ડોલર થી ગગડીને 40 ડોલર આવી ગયું હતું. જ્યારે શ્રી મનમોહનસિંહ વડાપ્રધાન હતા, ત્યારે ભારતની કુલ વિદેશવ્યાપાર ખાધ કે જે પંદર થી અઢાર હજાર ડોલર આસપાસ રહેતી હતી, તેમાં ક્રૂડની દસ હજાર કરોડની આયાત સહુથી મોટી બાબત બની રહેતી હતી.
ત્યારે સરકારે ઓઇલ બોન્ડ ઇશ્યૂ કરી, લોકોને સબસિડીવાળા ભાવે પેટ્રોલ-ડીઝલ આપવા પડતાં હતા. પણ, શેલ-ઓઇલ-ડિસ્કવરીને પગલે ભાવો 100 ડોલર થી ગગડવા શરૂ થયા હતા. કોવિડ વખતે તો ક્રૂડના ભાવ માઇનસમાં જતાં રહ્યા હતા. ત્યારબાદ જૂન 2022 માં ક્રૂડ ફરી પાછું 100 ડોલરને પાર નીકળી ગયું હતું. ત્યારપછી તેણે સપ્ટેમ્બર 2023 માં 90 ડોલર, એપ્રિલ 2024 માં 86 ડોલર અને જુલાઇ 2024 માં 83 ડોલર – એમ ત્રણ લોઅર ટોપ બનાવ્યા છે. છેલ્લે ઓક્ટોબર 2024 માં
75 ડોલર પર ચોથું લોઅર ટોપ બનાવ્યું છે.
કોવિડ આવ્યા પહેલા ક્રૂડ 65 ડોલર પર રાઉંડિંગ ટોપ બનાવી ચૂક્યું હતું અને જેવુ કોવિડનું લોક-ડાઉન જાહેર થયું કે, ભાવો સપાટાબંધ તૂટ્યા હતા. ઉપરોક્ત ચાર લોઅર ટોપ બનાવ્યા પછી, ક્રૂડ હાલ એ જ કોવિડ વખતના ટોપ 65 ડોલરના ટેકે ઊભું છે. ગયા અઠવાડિયે સાડા ચાર ટકા ઘટી, 68.16 ડોલર બંધ રહ્યું છે.
સપ્ટેમ્બરથી અત્યાર સુધી તે 65 થી 75 ની રેંજમાં રહ્યું છે. આ રેન્જમાંથી તે બ્રેક-આઉટ આપે છે કે બ્રેક-ડાઉન તે જોવાનું રહ્યું. પણ જે રીતે ક્રૂડ લોઅર ટોપ બનાવી રહ્યું છે, તે જોતાં બ્રેક-ડાઉનની શક્યતા વધારે છે. એક તરફ નેસ્લે, બ્રિટાનિયા, હિન્દ લીવર જેવી કંપનીઓ અહેવાલો પ્રકાશિત કરી રહી છે કે ભારત સહિત વિકાસશીલ દેશોમાં મધ્યમ વર્ગની માંગ ઘટી રહી છે, ત્યારે ક્રૂડમાં ઘટાડો જોવાય તે સ્વાભાવિક પણ કહેવાય. આવો ઘટાડો અર્થતંત્રો ધીમા પડી રહ્યા હોવાનો સંકેત આપે છે.