મુંબઇ:
NSE અને BSE પર KRYSTAL સિમ્બોલથી લિસ્ટેડ, મુંબઈ સ્થિત આ કંપની કદાચ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસ આપતી, સ્ટોક એક્ષચેન્જ પર લિસ્ટેડ, એકમાત્ર કંપની છે. વર્ષ 2000 માં ‘સેવા કિંગ એન્ટરપ્રાઇઝીસ પ્રા. લિ.’ તરીકે કારોબાર શરૂ કરનાર આ કંપનીએ બદલાતા સમય સાથે સતત પોતાને અનુરૂપ બનાવતાં રહી કુશળ ઉદ્યોગસાહસિકતાનો પરિચય આપ્યો છે. માત્ર સિક્યુરીટી સર્વિસિસ આપતી કંપનીમાંથી તેણે પોતાને સંકલિત સેવાઓ આપતી કંપનીમાં તબદીલ કરી છે. 41 હજારથી વધુ ઓન-સાઇટ કર્મચારીઓ, સવા ત્રણસોથી વધુ બેક-ઓફિસ સ્ટાફ સાથે કંપની સાડા ત્રણસોથી વધુ ગ્રાહકોને પોતાની સેવાઓ પૂરી પાડી વર્ષે હજાર કરોડથી વધુ કુલ આવક મેળવે છે. 2024 માં પબ્લિક ઇશ્યૂ થકી કંપનીએ લગભગ રૂપિયા ત્રણસો કરોડ ઊભા કર્યા અને રૂપિયા એક હજાર કરોડથી વધુની વેલ્યૂએસન હાસલ કરી છે. હાલ કંપની 28 બ્રાંચ, 2 વેરહાઉસ અને 1 ટ્રેનીંગ એકડેમી સાથે ભારતભરમાં પથરાયેલ 250 થી વધુ લોકેશન્સ પર પોતાની સેવાઓ આપી રહી છે.
કંપનીનું બિઝનેસ મોડેલ:
ઇન્ટિગ્રેટેડ ફેસેલિટી મેનેજમેંટ (સોફ્ટ સર્વિસિસ): હાઉસકીપીંગ, સેનિટેસન અને ગાર્ડનિંગ
ઇન્ટિગ્રેટેડ ફેસેલિટી મેનેજમેંટ (હાર્ડ સર્વિસિસ): મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્ડ પ્લમ્બિંગ (MEP) સર્વિસિસ
એડિશનલ સર્વિસિસ: પ્રોડક્ટ સપોર્ટ, વેરહાઉસ મેનેજમેંટ, એરપોર્ટ મેનેજમેંટ
(કુલ આવકોમાં ઉપરોક્ત ત્રણ સેગમેન્ટનો કુલ હિસ્સો 54.70%)
(ગ્રાહકોની સંખ્યા 117, કામગીરી લોકેશન્સ 1063)
સિક્યોરિટી સોલ્યુશન્સ: એક્સેસ કંટ્રોલ, એમર્જન્સી સર્વિસિસ, સર્વેલન્સ એન્ડ પેટ્રોલ (12 રાજ્યો, 1 કેન્દ્ર શાસિત પ્રદેશ)
(કુલ આવકોમાં હિસ્સો 10.69%)
(ગ્રાહકોની સંખ્યા 107, કામગીરી લોકેશન્સ 327)
સ્ટાફિંગ સોલ્યુશન: રિક્રૂટમેંટ સર્વિસિસ, પે-રોલ મેનેજમેંટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેંટ સર્વિસિસ
(કુલ આવકોમાં હિસ્સો 31.74%)
(ગ્રાહકોની સંખ્યા 140, કામગીરી લોકેશન્સ 1323)
કેટરિંગ સર્વિસિસ: પેટા-કંપની ક્રિસ્ટલ ગોર્મેટ પ્રા. લિ. મારફત.
(કુલ આવકોમાં હિસ્સો 2.86%)
(ગ્રાહકોની સંખ્યા 77, કામગીરી લોકેશન્સ 218)
આવકમાં વૈવિધ્ય:
29% આવક 137 હોસ્પિટલ્સ અને મેડિકલ કોલેજીસમાંથી
20% આવક 137 શાળાઓ અને કોલેજીસમાંથી
5% આવક 35 એરપોર્ટ, રેલ્વે અને મેટ્રો સુવિધાઓમાંથી
કંપનીના બિઝનેસ મોડેલને જોતાં ખ્યાલ આવે છે કે, તેની કામગીરી અમુક ગ્રાહકો પૂરતી મર્યાદિત નથી અને તેનો ક્લાયન્ટ બેઝ વિશાળ અને વ્યાપક છે. સાથે જ ભારતભરમાં પથરાયેલ ગ્રાહકોને કંપની પોતાની ઇન્ટિગ્રેટેડ સેવાઓ પૂરી પાડી એક અલગ ચીલો પાડી રહી છે.
કંપની મેનેજમેન્ટ:
“ઝડપથી વિકસી રહેલ મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટે અમને એકમાત્ર સિક્યુરીટી સેવાઓ આપતી કંપનીમાંથી સમગ્ર ભારતમાં બહુઆયામી ફેસેલિટી મેનેજમેંટની સેવાઓ આપતી કંપનીમાં તબદીલ થવા જાણે કે પ્રોત્સાહિત કર્યા અને અમે એ તક ઝડપી લીધી. એરપોર્ટ, પરિવહન, હેલ્થકેર સુવિધાઓ, રિટેલ અને કોમર્શિયલ હબ્સ વિગેરેમાં અર્થતંત્રના માળખાગત બદલાવો સાથે અમે સતત તાલ મિલાવવા પ્રયત્નશીલ રહીએ છીએ અને 41 હજારથી વધુ અમારા ટીમ મેમ્બર્સના અથાગ પરિશ્રમથી અમે 100% જેટલું ઊંચું કસ્ટમર રિટેન્શન હાંસલ કર્યું છે.” – નીતા લાડ, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર
“ઈન્ડસ્ટ્રીના અહેવાલો મુજબ અમે રેન્જ સભર સંકલિત સેવાઓ આપતી ભારતની એકમાત્ર કંપની છીએ. અમારી સક્ષમ અને પરિશ્રમી સર્વિસ ડિલિવરી ટીમ અને સમર્પણભાવ સાથે કામ કરતી બેકઓફિસ ટીમ અમને લગભગ પચીસ સો જેટલાં લોકેશન્સ પર સેવાઓ આપવા સક્ષમ બનાવે છે. ગ્રાહકોની સતત પહેલી પસંદ બન્યા રહેવું એ અમારો લક્ષ્યાંક છે.” – સંજય દીઘે, CEO એન્ડ હૉલ-ટાઈમ ડિરેક્ટર
કંપનીની નાણાંકીય સ્થિતિ:
આ કંપનીની જામીનગીરીઓને 2024 માં BBB+ નું ક્રિસિલ રેટિંગ મળ્યું હતું. કંપનીની નેટવર્થમાં 2024 માં ધરખમ ઉછાળો આવ્યો અને તે 103 ટકા વધી, માર્ચ 2024 માં રૂ.3762 કરોડ થઈ છે. પબ્લિક ઇશ્યૂ પછી કંપનીની નેટવર્થ અને વેલ્યૂએસન ઝડપથી વધી હતી. કંપનીની આવકો ત્રિમાસિક-દર-ત્રિમાસિક ધોરણે 4 ટકા અને વર્ષ-દર-વર્ષના ધોરણે 13% વધી છે. તેનો ચોખ્ખો નફો માત્ર છેલ્લા ચાર વર્ષમાં રૂ.68 લાખથી સપાટાબંધ વધી રૂ. 49 કરોડે પહોંચ્યો છે. આ ચાર વર્ષના ગાળામાં કંપનીની શેર દીઠ કમાણી રૂ.14.45 થી વધીને રૂ.42.30 થઈ છે. પબ્લિક ઇશ્યૂના ભંડોળનો કંપનીએ કુનેહપૂર્વક ઉપયોગ કરી પોતાના દેવાંમાં ધરખમ ઘટાડો કરી, હાલ 0.22 નો ઇક્વિટી ટુ ડેટનો રેશિયો હાંસલ કરી લીધો છે.
કંપનીની વેલ્યુએસન:
શુક્રવારે આ કંપનીનો શેર રૂ.725 આસપાસ બંધ રહ્યો છે. આ ભાવે કંપનીની કુલ માર્કેટકેપ રૂ.1013 કરોડ આસપાસ અને ફ્રી-ફ્લોટ માર્કેટ કેપ રૂ. 304 કરોડ આસપાસ થાય છે. ક્રિસ્ટલનો શેર હાલ 17 ના પ્રાઇસ મલ્ટિપલ પર ટ્રેડ થઈ રહ્યો છે. રૂ.10ની ફેસ-વેલ્યૂ ધરાવતાં કંપનીના શેરની ચોપડે કિમત રૂ.315 હોઈ, તેનો શેર હાલ તેની બૂક-વેલ્યૂથી 2.5 ગણા ભાવે બજારમાં મળી રહ્યો છે. કંપનીની રૂ.1000 કરોડ આસપાસની કુલ આવકો સામે કંપનીની કુલ માર્કેટકેપ રૂ.1000 કરોડ હોવી એ કંપની સારી એવી અંડરવેલ્યૂ હોવાનું દર્શાવે છે. અન્ય હરીફ કંપનીઓ સામે સરખામણી કરવામાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ ક્ષેત્રમાં આટલા ઊંચા સંગઠિત સ્તરે કામ કરતી અન્ય કોઈ કંપની નથી. નોકરી ડોટ કોમ જેવી સ્ટફિંગની મોટી કંપનીઓ સાથે સરખામણી કરવી ઠીક નથી, કેમકે નોકરી ડોટ કોમનું બિઝનેસ મોડલ અલગ છે અને તે બહુધા ઇ-કોમર્સ સાથે જોડાયેલી કંપની છે. છતાય તેની સાથે સરખામણી કરીએ તો નોકરી ડોટ કોમની રૂ.656 કરોડની વાર્ષિક કુલ આવક સામે તેની માર્કેટ કેપ રૂ.1 લાખ કરોડ થી વધુ છે. જ્યારે આ કંપની નોકરી ડોટ કોમથી લગભગ દોઢ ગણાથી વધુ કમાણી કરતી હોવા છતાં તેની માર્કેટ કેપ માત્ર રૂપિયા એક હજાર કરોડ છે. જો કે, અહી એ નોંધવું રહ્યું કે સ્ટાફિંગ કંપનીઓ જે પણ આવકો મેળવતી હોય છે તે તેમના ગ્રાહકો સાથેના કોન્ટ્રાક્ટ પર નિર્ભર કરે છે. મોટાં કોન્ટ્રાક્ટનું રદ થવું, રિન્યૂ ન થવું, આકસ્મિક ઘટનાઓ, લિટીગેશન્સ વિગેરે સ્ટાફિંગ કંપનીઓ સામેના સંભવિત જોખમો છે. તેને પરિણામે માનવશ્રમ આધારિત કંપનીઓના વેલ્યૂએસન નીચા રહેતા હોવાનો ટ્રેન્ડ છે. અમદાવાદ સ્થિત અન્ય એક સ્ટાફિંગ તેમજ કૌશલ્યપૂર્ણ સેવાઓ આપતી કંપની ઐરાન લિ. નો શેર પણ 16-17 ના PE પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નોકરી ડોટ કોમ જેવી ઇ-કોમર્સ આધારિત બિઝનેસ મોડલ ધરાવતી કંપનીના શેર દોઢસો થી પણ ઊંચા પ્રાઇસ મલ્ટીપલ પર મળતા હોય છે.