નવી દિલ્હી: એસ.બી.આઇ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસનો ચોખ્ખો નફો ડિસેમ્બર 2024માં પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં 30 ટકા ઘટીને રૂ. 383 કરોડ થયો છે.
એસ.બી.આઇ.ની માલિકીની ક્રેડિટ કાર્ડ કંપનીએ અગાઉના નાણાં વર્ષના સમાન સમયગાળા દરમિયાન ₹549 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં તેની કુલ આવક ₹4,767 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹4,742 કરોડ હતી, એમ એસ.બી.આઇ. કાર્ડે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું.
નાણાં વર્ષ 25ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો કુલ કાર્યકારી ખર્ચ 13 ટકા ઘટીને ₹2,107 કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹2,426 કરોડ હતો.
સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કુલ નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એન.પી.એ.) વધીને 3.24 ટકા થઈ હતી, જે એક વર્ષ અગાઉ 2.64 ટકા હતી.
તેની ચોખ્ખી એન.પી.એ. પણ અગાઉના નાણાં વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરના અંતે 0.96 ટકાથી વધીને 1.18 ટકા થઈ ગઈ છે.
નાણાકીય સાધનો પરની ખોટ 49 ટકા વધીને ₹1,313 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં ₹883 કરોડ હતી.