નવી દિલ્હી, 1 જાન્યુઆરીઃ – સરકારી માલિકીની CILની પેટાકંપનીઓ ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) અને સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (SECL) એ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બરના ગાળામાં કોલસાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાવ્યો છે.
કોલ ઇન્ડિયાની પેટાકંપનીઓ BCCL અને SECL એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ઉત્પાદનમાં ઘટાડો થયો હતો, જ્યારે નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ – NCL, ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ – ECL, સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ – CCL અને વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમટેડ – WCL જેવી અન્ય પેટાકંપનીઓએ વૃદ્ધિ નોંધાવી હતી.
નિયમનકાર સમક્ષના એક ફાઇલિંગમાં કોલ ઇન્ડિયા લિમિટેડે માહિતી આપી છે કે, BCCL ના કોલસાના ઉત્પાદનમાં 2.6 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે SECL ના ઉત્પાદનમાં 9.4 ટકાનો ઘટાડો થયો છે. જોકે, કોલ ઇન્ડિયા લિમિટેડની અન્ય પેટાકંપનીઓ જેમ કે નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ, ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ, સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ અને વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડે ચાલુ નાણાં વર્ષના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં કોલસાના ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાવી છે.
એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં કોલ ઇન્ડિયાનું ઉત્પાદન 54.34 કરોડ ટન હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 53.19 કરોડ ટન હતું. મહારત્નનો દરજ્જો ધરાવતી કંપની દ્વારા ડિસેમ્બરમાં કોલસાનું ઉત્પાદન 7.24 કરોડ ટન હતું, જ્યારે અગાઉના નાણાકીય વર્ષના સમાન મહિનામાં 7.19 કરોડ ટન કોલસાનું ઉત્પાદન થયું હતું.
સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં કોલ ઇન્ડિયાનો હિસ્સો 80 ટકાથી વધુ છે. કંપનીએ 2024-25 માં 83.8 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જાહેર સાહસ કંપનીએ નાણાં-વર્ષ 2023-24 માટે 78 કરોડ ટનના લક્ષ્યાંક સામે 77.36 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કર્યું હતું.