સેબીના હુકમથી અમદાવાદ સ્થિત ભારત ગ્લોબલનું ટ્રેડિંગ સસ્પેન્ડ, નાણાકીય ગેરરીતિઓ આચરવા સબબ થઈ કાર્યવાહી
મુંબઇ: ૨૩ ડિસેમ્બરના રોજ સેબીના પૂર્ણકાલીન સભ્ય અશ્વનિ ભાટિયાના હુકમને પગલે બોમ્બે સ્ટોક એક્સચેન્જે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના સરનામે નોંધાયેલ કંપની ભારત ગ્લોબલ ડેવલપર્સ લિ.નું ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું છે. ‘ઇન્ટેરિમ ઓર્ડર (વચગાળાનો હુકમ) ઇન ધ મેટર ઓફ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિ.’ ના વિષય પરના ૨૫ પાનાના હુકમમાં ૪૭ વ્યક્તિઓને નોટીસ આપવામાં આવી છે, તેમજ સેબીને આ સમગ્ર મામલે માર્ચ ૨૦૨૫ પહેલાં સઘન તપાસ પૂરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કંપનીના કોમપ્લાયન્સ અધિકારીને અન્ય કોઇપણ કંપની સાથે જોડવાથી મનાઇ કરવામાં આવી છે. જ્યારે ૧૩ જેટલા નોટીસીને તેમના બેંકખાતા, આઇ.ટી.આર. વિગેરે વિગતો પૂરી પાડવા જણાવવામાં આવ્યું છે.
શું છે ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ?
ઉક્ત હુકમના પાના નં.૩ પર મુદ્દા નં.૩ માં જણાવ્યા મુજબ, ૧૫ જૂન ૧૯૯૨ ના રોજ આ કંપનીની સ્થાપના પરફેક્ટ વિવર્સ પ્રા. લિ. તરીકે થઇ હતી. ઓગસ્ટ ૧૯૯૩ માં પરફેક્ટ વિવર્સ લિ., મે ૨૦૧૭ માં ક્ક્રેફ્ટોન (Kkrrafton) અને છેલ્લે ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ તેનું નામ બદલીને ભારત ગ્લોબલ ડેવલપર્સ લિ. કરવામાં આવ્યું છે. ૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ તેની ઓફીસનું સરનામું બદલીને સેટેલાઇટ, અમદાવાદ કરવામાં આવ્યું છે. કંપનીની વેબસાઇટ પર લોગીન થતાં જ મોટી પવનચક્કીઓ ફરતી જોઇ શકાય છે. કંપનીની વેબસાઇટ પર કંપનીના કામગીરી ક્ષેત્રો તરીકે ગ્રીન એનર્જી, એરોસ્પેસ, એન્જીનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એગ્રીકલ્ચર જણાવવામાં આવ્યા છે. જ્યારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જની વેબસાઇટ પર ઉપલબ્ધ ઉદ્યોગ વર્ગીકરણ મુજબ આ કંપની કોમપ્યુટર હાર્ડવેર અને ઇક્વિપમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે.
જ્યારે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોશીએશનમાં વખતોવખત સુધારા કરી તેની કામગીરીનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. નાણાં વર્ષ ૨૦૧૬-૧૭ માં કંપનીએ તેના ઓબ્જેક્ટ ક્લોઝમાં સુધારો કરી પોતે જમીન-પ્લોટ્સની લે-વેચ, રિયલ એસ્ટેટ પ્રોપર્ટીસની લે વેચ તથા બિલ્ડિંગ, રોડ, કોમ્પલેક્સીસ વિગેરેના બાંધકામ અને વિકાસ ક્ષેત્રે કાર્યરત હોવાનું જણાવ્યું.
૦૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ (સરનામું બદલ્યા દિવસે) કંપનીનો નવો ઓબ્જેક્ટ ક્લોઝ મંજૂર થયો. તે મુજબ કંપનીએ પોતાના કાર્યક્ષત્ર તરીકે ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, ખેતી, ફાર્મા, રસાયણોનો વેપાર, નિકાસ, આયાત, ભારત કે વિદેશમાં ઉત્પાદન કે જોબ-વર્ક ઉમેરવામાં આવ્યા. તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિલ કોન્ટ્રાક્ટિંગ અને બાંધકામ, માઇનિંગ અને એક્સપ્લોરેશન અને માહિતી પ્રૌદ્યોગિકી ઉમેરવામાં આવ્યા.
ભાવમાં અસહજ ઉછાળો, ભાવ કરતાં માર્કેટ-કેપ માં અધધધધ ઉછાળો
નવેમ્બર ૨૦૨૩ માં આ શેરનો ભાવ રૂ.૧૬.૧૫ હતો, તે નવેમ્બર ૨૦૨૪ માં વધીને રૂ.૧૭૦૦ ને પાર પહોંચ્યો હતો. આમ, બાર મહિનામાં ભાવમાં ૧૦૫ ગણો અથવા ૧૦,૫૦૦ ટકાનો ઉછાળો આવ્યો હતો. અહી ખાસ નોંધ લેવાની થતી બાબત એ છે કે ભાવમાં તો માત્ર 105 ગણો જ ઉછાળો આવ્યો હતો. પણ, માર્કેટ કેપમાં બાર હજાર ગણો ઉછાળો આવ્યાનું કહી શકાય…
BSE ની વેબસાઇટ પર ઉપલબ્ધ શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ માર્ચ 2023 માં આ કંપનીના કુલ શેર્સ જ 5,59,600 હતા. આ સમયગાળા દરમ્યાન રૂ. 15-16 નો ભાવ ગણીએ તો પણ માર્કેટ-કેપ માંડ રૂપિયા 1 કરોડની થાય. જેની સામે આજે કંપનીનું ટેડિંગ સસ્પેન્ડ થયું છે, તેના આગલા દિવસે તેની માર્કેટ કેપ રૂપિયા બાર હજાર કરોડ છે. બજાર ભાવ અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં આટલા મોટા તફાવત પર પ્રકાશ પાડતાં, સેબીના ઉપરોક્ત હુકમના પાનાં નં.7 પર વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
આ કંપનીમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ શૂન્ય હતું. (એવું ઘણીબધી કંપનીઓમાં હોય છે.) ડિસેમ્બર 2023 માં આ કંપનીના મેનેજમેંટમાં બદલાવ થયા. આ સમયે કંપની સાથે છેક 2011-12 થી કામ કરી રહેલ કાનૂની ઓડિટર મેસર્સ, ગૌરાંગ વોરા એન્ડ એસોસિએટસે રાજીનામું આપ્યું. કંપનીના ડાયરેક્ટર તુષાર શશિકાંત શાહ અને ચીફ ફાયનાન્શીયલ ઓફિસર ભદ્રેશ ભરતકુમાર શાહે પણ રાજીનામું આપ્યું. તે જ દિવસે કંપનીમાં પાંચ નવા ડાયરેક્ટર્સ જોડાયા.
ત્યારબાદ, માર્ચ 2024 માં 31 વ્યક્તિઓને રૂપિયા 10 ના ભાવે કુલ નવ કરોડ બોંતર લાખ પ્રેફરન્સ શેર એલોટ કરવામાં આવ્યા. આમ, કંપનીની શેર કેપિટલ કે જે અગાઉ માંડ પાંચ-છ લાખ શેર્સ કે રૂપિયા એક કરોડની હતી, તેમાં નવા નવ કરોડ શેર્સ અને રૂપિયા સત્તાણુ કરોડ થી વધુનો ઉમેરો થયો. અલબત્ત, આ પ્રેફરન્સ શેર્સમાં એક છ – સાત મહિનાનો લોક-ઇન પિરિયડ હતો અને તે પછી તે સામાન્ય ઇક્વિટીમાં તબદીલ થાય, જેને બજારમાં વેચી પણ શકાય. બજાર ભાવે જ!
બીજું પ્રેફરેન્સ એલોટમેંટ થયું ઓગસ્ટ 2024 માં નવા 10 વ્યક્તિઓને. .. આ 10 વ્યક્તિઓને રૂ.10 નો એક એવા 35 લાખ શેર્સ ઇશ્યૂ કરવામાં આવ્યા. અલબત્ત, આ 10 વ્યક્તિઓ પાસેથી રૂ.200 પ્રીમિયમ લઈ તેમને રૂપિયા 210 ના ભાવે શેર્સ આપવામાં આવ્યા. આ સમયે શેરનો બજારભાવ રૂપિયા 600 આસપાસ હતો.
આમ, કંપનીના મૂળ શેર્સ પાંચ – છ લાખ હતા તેમાં દસ કરોડથી વધુ, બીજા શબ્દોમાં કહીએ તો 200 ગણા વધુ, નવા શેર્સ ઉમેરાયા અને સાથે-સાથે ભાવ 105 ગણો થયો.. અને માર્કેટ-કેપિટલાઇઝેસન થયું… બાર હજાર ગણું…..!!!!
શેર્સનું બજારમાં વેચાણ કરી મબલખ નફો ઘર ભેગો કર્યો
જ્યારે પેલા પ્રેફરન્સ શેરધારકોનો લોક-ઇન પિરિયડ કે જે ૩૧ ઓક્ટોબરના રોજ પૂરો થવાનો હતો, તે સમયે જ કંપનીએ સતત મોટી જાહેરાતો કરી. જેમકે, 100 ટકા માલિકીની છ નવી સબસિડિયરી કંપનીઓ દુબઈમાં ખોલવાની જાહેરાત, રિલાયન્સ સાથે કરાર થયાની અને તે કામ ત્વરિત પૂરું થયાની જાહેરાત, ટાટા ગ્રૂપની કંપની સાથે કરાર, આંતરરાષ્ટ્રીય નામના ધરાવતી કંપની સાથે માલ-સપ્લાય કરવાના કરારો થયાની જાહેરાત વિગેરે, વિગેરે….. સેબીના ઉપરોકત હુકમમાં આ જાહેરાતોની પણ પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. દાખલા તરીકે રિલાયન્સ પાસેથી મળેલ વર્ક-ઓર્ડર કંપનીને એપ્રિલ 2024 માં મળ્યો હતો અને જે મુજબની FCC ટર્મિનલ બાંધ્યાની જાહેરાત કરવામાં આવી હતી, એવો તે વર્ક-ઓર્ડર નહોતો. પરંતુ તે સાધારણ બાંધકામ મટિરિયલ સપ્લાય કરવાનો ઓર્ડર હતો. બીજું કે આ ઓર્ડરની વેલ્યૂ એટલી દર્શાવામાં આવી હતી, તેમાં કંપનીએ સ્વયં બે દિવસ પછી પચાસ ટકાથી વધુ ઘટાડો રિપોર્ટ કર્યો હતો.
જો કે, આ બધા સમય દરમ્યાન પેલા પ્રેફરન્સ શેરધારકોએ મોટા પ્રમાણમાં શેર્સ બજારમાં વેચ્યા અને મબલખ નફો ઘર ભેગો કર્યો. સેબીના ઉક્ત હુકમના પાનાં નં. 9 પર કયા શેરધારકે કેટલો નફો ઘરભેગો કર્યો તેની વિગત આપવામાં આવી છે. 13 પ્રેફરન્સ શેરધારકોએ મળીને કુલ 271 કરોડનો નફો ઘરભેગો કર્યો જેમાં બે વ્યક્તિઓએ સિત્તેર-સિત્તેર કરોડનો નફો મેળવ્યો.
કંપની દ્વારા કરવામાં આવેલ વિવિધ જાહેરાતો અને તે અંગે સેબીના હુકમમાં નોંધાયેલ અવલોકનો
ઇશ્યુ થયેલ પહેલાં ટ્રેન્ચના પ્રેફરન્સ શેર્સનો લોક-ઇન પીરિયડ પૂરો થવાના આગાલ દિવસે, તા. ૩૦ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ, કંપનીએ સ્ટોક એક્ષચેન્જને જાણકારી આપી કે, કંપની સો ટકા માલિકીની છ નવી સબસિડરી કંપનીઓ ઊભી કરવા જઇ રહી છે આને આ કંપનીઓ (૧) ભારત ગ્લોબલ ગ્રીન એનર્જી પ્રા. લિ. (૨) ભારત ગ્લોબલ એગ્રોટેક પ્રા. લિ. (૩) ભારત ગ્લોબલ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પ્રા. લિ. (૪) ભારત ગ્લોબલ ઇમ્પેક્ષ પ્રા. લિ. (૫) ભારત ગ્લોબલ જેમ્સ એન્ડ માઇનિંગ પ્રા. લિ. અને (૬) ભારત ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રા. લિ. રહેશે.
૪ નવેમ્બર ૨૦૨૪ ના રોજ કંપનીએ એક્ષચેન્જમાં જાણ કરી કે, તેને મેક્કેન ઇન્ડિયા એગ્રો પ્રા. લિ. પાસેથી રૂ. ૩૦૦ કરોડનો ઓર્ડર મળ્યો છે. ૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ કંપનીએ એક્ષચેન્જને જાણ કરી કે, તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી હાઇ-કેપેસિટી ફ્લુડેડ કેટાલિક ક્રેકર યુનિટના બાંધકામનો રૂ. ૧૨૦ કરોડનો ઓર્ડર મળ્યો છે. ૨૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ કંપનીએ એક્ષચેન્જને જાણ કરી કે, દુબઇ સ્થિત સંપૂર્ણપણે તેની માલિકીની સબસિડરી કંપનીને કિંમતી પથ્થરો (નંગ), જેમ્સ, ડાયમંડ, રૂબી ઇત્યાદી પ્રોસેસ અને સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. છેલ્લે ૧૧ ડિસેમ્બરે કંપનીએ એક્ષચેન્જને જાણ કરી કે તેને ટાટા એગ્રો એન્ડ કન્ઝ્યુમર પ્રોડક્સ પાસેથી ઊંચી ગુણવત્તાની એગ્રો પ્રોડક્ટસ, બદામ, કાજુ ઇત્યાદી સપ્લાય કરવાનો રૂ.૬૫૦ કરોડનો ઓર્ડર મળ્યો છે. ૧૬ ડિસેમ્બરના રોજ બજારના વર્કિંગ અવર્સ દરમ્યાન એક્ષચેન્જને જાણ કરી કે, તેણે રિલાયન્સનો ઉપરોક્ત ઓર્ડર સફળતાપૂર્વક પૂરો કર્યો છે, જે આ કંપની અને રિલાયન્સના મજબૂત સંબંધોનો પૂરાવો છે. નોંધવું રહ્યું કે, પહેલાં આ ઓર્ડરની વેલ્યુ રુ.૩૦૦ કરોડ જણાવવામાં આવી હતી, જેમાં પાછળથી સુધારો કરી રુ.૧૨૦ કરોડ કરવામાં આવી.
કંપની દ્વારા કરાયેલ જાહેરાતો અંગે સેબીના ઉક્ત હુકમના પાના નં.૧૨ પર અવલોકનો નોંધવામાં આવ્યા છે. તેમાં જણાવાયા મુજબ, કંપનીની પૂર્ણ-માલિકીની તથાકથિત સબસિડરી કંપનીઓ હજુ સુધી ભારત સરકારના વાણિજ્યિક બાબતોના મંત્રાલયના ડેટાબેઝમાં જોઇ શકાતી નથી. જ્યારે મેક્કેન ગ્રુપે સેબીના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે તેમની કંપનીનું નામ ‘મેક્કેન ફૂડ્સ ઇન્ડિયા પ્રા. લિ.’ છે અને મેક્કેન ઇન્ડિયા પ્રા. લિ. નામે તેમની કોઇ કંપની નથી. રિલાયન્સના વર્ક-ઓર્ડર બાબત રિલાયન્સે સેબીને આપેલ જવાબમાં જણાવ્યું છે કે, ઉક્ત વર્ક-ઓર્ડર સાધારણ કન્સ્ટ્રક્શન મટિરિયલ સપ્લાય કરવા માટેનો હતો અને તે પણ એપ્રિલ ૨૦૨૪ માં આપવામાં આવ્યો હતો, જે કંપનીએ સમયસર પૂરો કર્યો નહોતો. કંપનીની સબસિડરી કંપનીને મળેલ હાઇ-વેલ્યુ સ્ટોન્સ, જેમ્સ ઇત્યાદિના વર્ક-ઓર્ડર બાબત હાલના હુકમમાં અવલોકન કરવામાં આવ્યું છે કે, તથાકથિત કંપની શરૂ થઇ છે કે નહિ તે સ્પષ્ટ નથી. રિઝર્વ બેંક પાસે કંપની દ્વારા કોઇ ભંડોળ વિદેશમાં મોકલાયાની કોઇ નોંધ નથી. જ્યારે ટાટા ગ્રુપે પોતાના જવાબમાં જણાવ્યું છે કે, તેની કંપનીનું નામ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટસ લિમિટેડ છે અને ‘ટાટા એગ્રો એન્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટસ’ નામે તેની કોઇ સબસીડિયરી કંપની નથી.
સેબીના ઉક્ત હુકમમાં આગળ જણાવ્યુ છે કે, કંપનીની આ વધેલી શેરમૂડી અને તેના ઓબ્જેક્ટ-ક્લોઝમાં આવેલ ફેરફારો મુજબ તેનાં વ્યવહારોમાં એટલો ફેરફાર જાણતો નહોતો, માત્ર લેણાં-દેણા ની કિમતો જ વધતી જતી હતી અને બેલેન્સશીટ મોટી થઈ રહી હતી. હવે, આ તમામ પાસાઓ પર વિગતે તપાસ કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ કંપની સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓના બેન્ક ખાતા અને મિલ્કતોની પણ તપાસ થવાની છે, જે માર્ચ 2025 સુધીમાં પૂરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.