નવી દિલ્હી : યુનિસેફે ’સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2024’ રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં દુનિયામાં મોટાં ફેરફારો થવાનાં છે, જેની અસર બાળકોનાં જીવન પર પડશે. હવે બાળકો પહેલાં કરતા લાંબુ જીવે છે. 5 વર્ષની ઉંમર સુધી બાળકોનાં જીવિત રહેવાની સંભાવના 99.5 ટકા છે.
વિશ્વની વસ્તી ઝડપથી બદલાઈ રહી છે. આગામી 25 વર્ષોમાં, 2050 સુધીમાં, વિશ્વમાં લગભગ 2.3 અબજ બાળકો હશે. યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફંડ (યુનિસેફ)ના અહેવાલમાં જણાવાયું છે કે 2050 સુધીમાં ભારતમાં 35 કરોડ બાળકો સાથે સૌથી વધુ બાળકોની વસ્તી હશે. જો કે, વિશ્વનાં દરેક ભાગમાં બાળકોની સંખ્યા ઘટશે.
ભારતમાં બાળકોની સંખ્યામાં પણ 106 મિલિયનનો ઘટાડો થશે, પરંતુ હજુ પણ વિશ્વનાં 15 ટકા બાળકો ભારતમાં હશે. ભારત, ચીન, નાઈજીરીયા અને પાકિસ્તાન મળીને 2050 સુધીમાં વિશ્વની એક તૃતીયાંશ બાળકોની વસ્તી હશે.
ભારતમાં બાળકોની સંખ્યા વધશે એટલું જ નહીં, જળવાયુ સંકટનું જોખમ પણ વધશે. આના કારણે બાળકોને સૌથી વધુ નુકસાન થશે, કારણ કે હવામાન પરિવર્તનની સીધી અસર તેમનાં સ્વાસ્થ્ય, વિકાસ અને ભવિષ્ય પર પડી શકે છે.
વિશ્ર્વમાં ક્યાં બાળકોની વસ્તી ઘટશે ?
દક્ષિણ એશિયા, પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા અને મધ્ય આફ્રિકામાં બાળકોની સંખ્યા વધી શકે છે. બીજી તરફ આફ્રિકામાં બાળકોની સંખ્યામાં ઘટાડો થશે. 2000 નાં દાયકામાં, આફ્રિકામાં બાળકોની સંખ્યા 50 ટકા હતી, પરંતુ 2050માં તે ઘટીને 40 ટકાથી ઓછી થઈ જશે.
તે જ સમયે, પૂર્વ એશિયા, પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકામાં બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. 2000 ના દાયકામાં, આ સ્થળોએ બાળકોની સંખ્યા 19 ટકા થી વધુ હતી, પરંતુ તે 19 ટકાથી ઓછી થઈ જશે.
2050 સુધીમાં બાળકો માટે વિશ્ર્વ કેવું હશે ?
યુનિસેફનાં ’ચિલ્ડ્રન્સ ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્સ’ અનુસાર, વિશ્વનાં 163 દેશોમાં ભારત 26માં નંબરે છે. આ રેન્કિંગ દર્શાવે છે કે ભારતમાં બાળકો અતિશય ગરમી, પૂર, દુષ્કાળ અને વાયુ પ્રદૂષણ જેવાં વધુ જોખમોનો સામનો કરી રહ્યાં છે. અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વનાં અડધાથી વધુ બાળકો એટલે કે લગભગ 1 અબજ એવાં દેશોમાં રહે છે જ્યાં આબોહવા પરિવર્તન અને પર્યાવરણ ખૂબ જોખમમાં છે. પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, પ્રાણીઓ અદ્રશ્ય થઈ રહ્યાં છે અને પ્રદૂષણ વધી રહ્યું છે. આ બધાને કારણે બાળકો માટે દુનિયા પહેલાં કરતાં વધુ ખતરનાક બની રહી છે.
જ્યારે યુનિસેફનાંં સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2024 ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2050 સુધીમાં વિશ્વમાં મોટાં ફેરફારો થવાનાં છે, જેમ કે વસ્તી પરિવર્તન, હવામાન પરિવર્તન અને નવી ટેકનોલોજીનો વિકાસ આ ફેરફારો બાળકોનાં જીવનને ખૂબ અસર કરશે.
યુનિસેફનાં ભારતનાં વડા સિન્થિયા મેકકેફ્રેએ જણાવ્યું હતું કે, ભારત સરકારે લોકોનાં જીવનધોરણને સુધારવા માટે ઘણી સારી બાબતો કરી છે, જેમ કે મિશન લાઇફ, જલ જીવન મિશન, સ્વચ્છ ભારત મિશન. યુનિસેફ છેલ્લાં 75 વર્ષથી ભારત સરકાર સાથે કામ કરી રહ્યું છે. ભારતે બાળકોનાં અધિકારો માટે આંતરરાષ્ટ્રીય કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતાં. ભારત સાચી દિશામાં આગળ વધી રહ્યું છે.
બાળકોનાં જીવન પર અસર સકારાત્મક અસર
રિપોર્ટ અનુસાર બાળકો હવે પહેલાં કરતાં લાંબુ જીવી રહ્યાં છે. વિશ્વભરમાં નવજાત શિશુઓનો જીવિત રહેવાનો દર 98 ટકા થી વધુ છે. 5 વર્ષની ઉંમર સુધી બાળકોનાં જીવિત રહેવાની સંભાવના 99.5 ટકા છે. સરેરાશ, 2000 ના દાયકામાં જન્મેલી છોકરીઓ 70 વર્ષ જીવતી હતી, હવે તેઓ 81 વર્ષ જીવે છે. છોકરાઓ સરેરાશ 66 વર્ષ જીવતાં હતાં, હવે તેઓ 76 વર્ષ જીવે છે.
નકારાત્મક અસર
ભારતમાં બાળકોની સંખ્યા ઘણી વધારે છે અને ભવિષ્યમાં પણ તેમાં વધારો થતો રહેશે. વિશ્વનાં 23 ટકા બાળકો એવાં દેશોમાં રહે છે જ્યાં ગરીબી ખૂબ વધારે છે. આ દેશો વિશ્વનાં 28 સૌથી ગરીબ દેશોમાં સામેલ છે. વર્ષ 2000ની સરખામણીએ આ દેશોમાં ગરીબ બાળકોની સંખ્યા બમણીથી પણ વધુ થઈ છે.
આવનારાં સમયમાં બાળકોને વધુ ભારે હવામાનની ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં 820 મિલિયન બાળકો હિટવેવનો સામનો કરશે, 400 મિલિયન બાળકો વાવાઝોડાનો, 330 મિલિયન બાળકો પુરનો, 240 મિલિયન બાળકો સુનામી 920 મિલિયન બાળકો પીવાના પાણીની અછતનો, 600 મિલિયન બાળકો બીમારીઓનો, 2 બિલિયન બાળકો વાયુ પ્રદુષણનો, 815 મિલિયન બાળકો દુષિત હવા પાણી જમીન પ્રદુષણનો સામનો કરશે. આ ઉપરાંત પહેલાં કરતાં 2050 માં 8 ગણી વધુ ગરમી, 3.1 ગણું વધુ પૂર, 1.7 ગણી વધુ આગ, 1.3 ગણો વધુ દુષ્કાળ અને 1.2 ગણા વધુ તોફાનોનો આવી શકે છે.
બાળકો પર યુદ્ધ અને શહેરીકરણની અસર
ભવિષ્યમાં, યુદ્ધથી પ્રભાવિત બાળકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. 2000 ના દાયકામાં 833 મિલિયનથી વધુ બાળકો યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં રહેતાં હતાં, પરંતુ 2050 સુધીમાં આ સંખ્યા ઘટીને 622 મિલિયન થવાની ધારણા છે. આ સારી બાબત છે, પરંતુ આ આંકડો હજુ પણ ઘણો ઊંચો છે. બીજી તરફ, 2050 સુધીમાં વિશ્વનાં લગભગ 60 ટકા બાળકો શહેરોમાં રહે છે. 2000 ના દાયકામાં આ સંખ્યા 44 ટકા હતી.
છોકરીઓ પર શું અસર થશે
2050 સુધીમાં, લગભગ 4 કરોડ છોકરીઓ બાળ લગ્ન અને હવામાન પરિવર્તનના બેવડા સંકટનો સામનો કરશે. વિશ્વમાં 2 ટકા કરતાં ઓછી રાષ્ટ્રીય આબોહવા યોજનાઓ છોકરીઓની જરૂરિયાતો અને ભાગીદારીને ધ્યાનમાં લે છે. દર વર્ષે, અંદાજે 9 મિલિયન છોકરીઓ આબોહવા સંબંધિત આપત્તિઓ અને બાળ લગ્નનાં ગંભીર જોખમોનો સામનો કરે છે.
સમગ્ર વિશ્વમાં છોકરીઓ અને છોકરાઓ વચ્ચેનાં શિક્ષણમાં અંતર ઘટી રહ્યું છે. ઘણી જગ્યાએ હવે વધુ છોકરીઓ શાળાએ જઈ રહી છે. આખી દુનિયામાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. પરંતુ પૂર્વ અને દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમ અને મધ્ય આફ્રિકાનાં ઘણાં દેશોમાં હજુ પણ છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ઘણું અંતર છે. અફઘાનિસ્તાન અને ઈરાન જેવાં દેશોમાં છોકરીઓ પરનાં પ્રતિબંધોને કારણે 2050 સુધીમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનું અંતર ઘણું વધવાની ધારણા છે.
બાળકોનાં ભવિષ્ય પર ટેક્નોલોજીની શું અસર પડે છે ?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , ન્યુરોટેક્નોલોજી, નેક્સ્ટ જનરેશન રિન્યુએબલ એનર્જી અને એમઆરએનએ રસીઓ જેવી નવી ટેક્નોલોજીઓ બાળકોનાં ભવિષ્યને સુધારી શકે છે. પરંતુ, વિશ્વનાં સમૃદ્ધ દેશોમાં, 95 ટકા થી વધુ લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલાં છે, જ્યારે ગરીબ દેશોમાં માત્ર 26 ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
મતલબ કે ટેક્નોલોજીનો ફાયદો દરેક બાળક સુધી પહોંચતો નથી. જે બાળકો ટેકનોલોજી સાથે જોડાઈ શકતાં નથી તેઓ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પાછળ રહી શકે છે. ગરીબ દેશોમાં તકનીકી અસમાનતા બાળકોનાં વિકાસમાં મોટો અવરોધ બની શકે છે. ઓછી આવક ધરાવતાં દેશોમાં ઈન્ટરનેટ અને ટેકનોલોજીને સસ્તું અને સુલભ બનાવવાની જરૂર છે.
બાળકોનાં ભવિષ્યને સુરક્ષિત કરવા શું કરી શકાય ?
રિપોર્ટ અનુસાર, બાળકોનાં ભવિષ્યને સુરક્ષિત કરવા માટે, આરોગ્ય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું સૌથી મહત્વપૂર્ણ છે. તે સુનિશ્ચિત કરવું પડશે કે માતા, નવજાત શિશુ, બાળકો અને કિશોરોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળી શકે. બાળકો માટે સુરક્ષિત સ્થળો અને સુવિધાઓથી ભરપૂર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. શહેરો એવી રીતે બનાવવા પડશે કે જ્યાં બાળકો સુરક્ષિત રીતે રહી શકે, રમી શકે અને શીખી શકે. વિકલાંગ બાળકો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
બાળકોનાં ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ક્લાઈમેટ ચેન્જના મુદ્દે કામ કરવું પડશે. સરકારોએ રાષ્ટ્રીય અનુકૂલન યોજનાઓ અને આબોહવા વ્યૂહરચનાઓમાં બાળકોની જરૂરિયાતોનો સમાવેશ કરવો જોઈએ. વધુમાં, આબોહવાની સ્થિતિસ્થાપકતાનો પણ સ્થાનિક યોજનાઓમાં સમાવેશ થવો જોઈએ, જેમ કે શાળાઓ, આરોગ્ય સેવાઓ, સામાજિક સેવાઓ અને પાણી અને સ્વચ્છતા સેવાઓ.
આજનાં બાળકો માટે ડિજિટલ સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો પ્રચાર બાળકો અને શિક્ષકો બંને માટે થવો જોઈએ જેથી કરીને તેઓ પરંપરાગત શિક્ષણની સાથે સાથે ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈ શકે. તેમજ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરતી વખતે બાળકોનાં હિતોને ધ્યાનમાં રાખવાનાં રહેશે અને સલામતીનાં પગલાં લેવાં પડશે.