અમદાવાદ: વિતેલા અઠવાડિયે નિફ્ટીના સેક્ટોરલ ઇન્ડેક્સિસમાં કેપિટલ માર્કેટ, ડિફેન્સ, PSU બેન્ક, ફાયનેંશ્યલ સર્વિસિસ અને પ્રાઈવેટ બેન્ક સવા બે ટકાથી બે ટકા વધ્યા, જ્યારે PSE, હાઉસિંગ અને FMCG સવા થી એક ટકા જેટલા સુધારયા. નિફ્ટી 50 0.7%, 100 0.6%, 200 અડધો ટકો, 500 0.3%, આઈ.ટી. અડધો ટકો, નેક્સ્ટ 50 અને એનર્જી 0.30% જેવા સુધારે બંધ રહ્યા. ઘટવામાં અગ્રેસર નિફ્ટી મીડિયા (-4.7%), માઇક્રોકેપ 250 (-3.1%), હેલ્થકેર (-2.4%), EV અને નવા યુગના ઓટોમોબિલ (-2.3%), ઓટો (-2.1%), રિયલ્ટી (-1.3%), મેટલ (-1.2%), સ્મોલકેપ 50 (-1%), સ્મોલકેપ 250 (-0.9%), જ્યારે બાકીના તમામ ઇન્ડેક્સિસ અડધા ટકાના ઘટાડાથી અડધા ટકાના સુધારા વચ્ચે લગભગ સપાટ રહ્યા. નિફ્ટી આંકનો સાપ્તાહિક ઓપન 23515.40 અને બંધ 23519.35 એમ માત્ર ચાર પોઈન્ટનો ફેર રહ્યો અને સાપ્તાહિક કેન્ડલ સ્ટિક જોઈએ તો ‘ડોજી’ બની હોવાનું જોઈ શકાય છે. આગલા અઠવાડીયાના ચાર ટકાથી વધુના ઉછાળા બાદ બજાર જાણે કે નિરાત લેવા બેઠું હોય તેમ તેની ગતિ ધીમી પડતી જોવાઈ.

માર્ચ મહિનાના એપ્રિલમાં રોલઓવર જોઈએ તો નિફ્ટીમાં આશરે સિત્તેર ટકા અને બેન્કનિફ્ટીમાં આશરે પંચોતેર ટકા જેટલું રોલઓવર થયું. નિફ્ટી એપ્રિલ વાયદામાં ઓપન ઇન્ટરેસ્ટ સવા કરોડ આસપાસ પહોંચ્યું. માર્ચ વાયદામાં તે પોણા બે કરોડ હતું. સમગ્ર અઠવાડિયું બજાર ધીમી પરંતુ મક્કમ ગતિએ સુધરતું રહ્યું. પરંતુ શુક્રવારના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલ ટેરિફની જાહેરાતે માહોલ ખરડ્યો. ભારતના સમય મુજબ ગુરુવારે રાત્રે ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ યુ.એસ.માં આયાત થતાં ઓટોમોબાઈલ અને તેના પાર્ટસ પર 25% ટેરિફ લાદશે. આ ઉપરાંત જે દેશો વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલની આયાત કરતાં હશે એમનાં અમેરિકામાં નિકાસ થતાં માલ પર પણ તેઓ 25% ટેરિફ લાદશે. ઓટોમોબાઈલ પર ટેરિફ લાદવાની સૌથી વધુ અસર કેનેડા, ત્યારબાદ મેક્સિકો, યુરોપીયન દેશો, દક્ષિણ કોરિયા અને જાપાન પર થશે. (આ મુદ્દે આજના અંકમાં ટેરિફ મુદ્દે પ્રકાશિત અન્ય લેખમાં વિગતવાર ચર્ચા કરી છે.) આ જાહેરાત બાદ જાપાનનો નેકકેઇ અને યુ.એસ.નો નેસ્ડેક બંને ત્રણ-ત્રણ ટકા ઘટ્યા. સાપ્તાહિક દ્રષ્ટિએ જોઈએ તો યુ.એસ.નો ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ (-1.2%), નેસ્ડેક (-2.7%), S&P 500 (-1.9%), જાપાનનો નિક્કેઇ (-2.7%), ચીનનો શાંઘાઇ કોંપોઝિટ (-0.4%), જર્મનીનો DAX (-1.7%) રહ્યા.
આઈ.ટી. કંપનીઓની વધી રહેલ ચિંતા:
ભારતની કુલ નિકાસોમાં ઇન્ફોર્મેશન ટેકનૉલોજી ક્ષેત્ર 20% જેટલો ફાળો આપે છે. નાણાં વર્ષ 2023 અને 2024 માં ભારતની કુલ નિકાસો એંસી હજાર કરોડ ડોલર જેટલી રહી. તેમાં આઈ.ટી. ક્ષેત્ર વીસ હજાર કરોડ ડોલર જેટલો ફાળો આપતું રહ્યું. આ વીસ હજાર કરોડ ડોલરમાં લગભગ નેવું ટકા હિસ્સો યુ.એસ.માં નિકાસોનો રહ્યો. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનાં મિત્ર અને ઉદ્યોગપતિ ઇલોન મસ્કને સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરવાનું એક વિશેષ ખાતું બનાવીને સુપરત કર્યું છે. મસ્કનો આ વિભાગ તેની દેખરેખ કરે છે કે કયા સેક્ટરમાં વધુ ખર્ચ થઈ રહ્યો છે. મસ્કના આ વિભાગે શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલ ખર્ચ બંધ કર્યો છે. હવે તેઓ સરકાર દ્વારા થતાં અન્ય ખર્ચાઓ બંધ કરવા જઇ રહ્યા છે. ભારતની અગ્રણી આઈ.ટી. કંપનીઓ યુ.એસ.ની સરકારને વિવિધ સેવાઓ પૂરી પાડે છે. તેવામાં મસ્કના વિભાગ દ્વારા કરવામાં આવનાર ખર્ચમાં કાપ ભારતીય આઈ.ટી. કંપનીઓ પર કેવી અસર કરશે તે જોવાનું રહે.
ફાર્મા કંપનીઓ પર અસર:
ભારત પોતાના ફાર્મા ઉત્પાદનોમાંથી આશરે દસેક ટકા યુ.એસ.માં નિકાસ કરે છે, જેનું મૂલ્ય આશરે અઢી -ત્રણ હજાર કરોડ ડોલર આસપાસ છે. ભારત યુ.એસ.માંથી આયાત થતાં માલસામાન પર સરેરાશ બાર ટકાના દરે આયાત શુલ્ક લાદે છે. સામે યુ.એસ. ભારતમાંથી યુ.એસ.માં નિકાસ થતાં માલસામાન પર બે ટકા આયાત શુલ્ક લાદે છે. જો હવે યુ.એસ. આ શુલ્કમાં વધારો કરે, તો ભારતીય દવા કંપનીઓના યુ.એસ.માં થતાં વેચાણ પર અસર થઈ શકે. જો કે, યુ.એસ.માં આયર્લેંડ પણ ફાર્માની મોટાપાયે નિકાસો કરે છે, જેનાં પર યુ.એસ. આકરાં ટેરિફ લાદવા જઇ રહ્યું છે. તે જોતાં આયર્લેંડથી આયાત થતી દવાઓ સામે ભારતીય દવાઓ સસ્તી બની શકે છે. બીજું કે, જે દવાઓ યુ.એસ.માં બનતી નથી અથવા તો અત્યંત મોંઘી છે તે દવાઓની નિકાસ થતી હોઈ, ફાર્મા ક્ષેત્રને અસરની શક્યતાઓ ઓછી હોવાની માનવમાં આવે છે.
જાપાની ફેક્ટર:
ટ્રમ્પે ગુરુવારે રાત્રે જે રીતે તમામ ઓટોમોબાઈલ આયાતો પર ટેરિફ લાદયું છે તેનાથી જાપાન વિશેષપણે છંછેડાયું છે. જાપાનના વડાપ્રધાને નિવેદન કર્યું છે કે ટ્રમ્પ સહયોગી અને હરીફમાં કોઈ ફરક કરતાં નથી. જે દેશો વર્ષો સુધી યુ.એસ.ને સહકાર આપતાં રહ્યા છે તેમનાં માલસામાન પર પણ અન્યો જેટલું ટેરિફ લાદવું વાજબી નથી. નોંધવું રહ્યું કે, જાપાન યુ.એસ.માં મોટાપાયે રોકાણો કરે છે. જો જાપાનની સરકાર યુ.એસ.માં થયેલ નફા પર કોઈ મોટો વેરો લાદે તો યુ.એસ.ના બજારોમાંથી મોટાપાયે જાપાની નાણાં પાછા ઠેલાય અને યુ.એસ.ના બજારો ભોંય ભેગા થાય. પરંતુ, જાપાન હમેશા ધીરજપૂર્વક અને રાહ જોઈને પોતાનું પગલું માંડે છે.
કેનેડા – મેક્સિકોની જવાબી કાર્યવાહીની દહેશત:
કેનેડા અને મેક્સિકોએ અગાઉ જાહેરાત કરી હતી કે જો ટ્રમ્પ પ્રશાસન તેમનાં માલસામાન પર ટેરિફ લાદશે તો તેઓ પણ એવાં જ આકરાં પગલાં લેશે. આજે મોટરકારની યુ.એસ.માં થતી નિકાસો પર યુ.એસ. પચ્ચીસ ટકા આયાત શુલ્ક વસૂલશે, તો મેક્સિકો પણ પોતાના ત્યાં બનતી અને યુ.એસ.માં વિક્રય માટે જતી મોટરકાર પર સો ટકા વેરો વસૂલી શકે છે. યુ.એસ.ના મોટાભાગના મોટરકાર ઉત્પાદકોએ સસ્તાં માનવશ્રમનો લાભ મેળવવા મેક્સિકોમાં પોતાની ફેક્ટરીઓ સ્થાપી છે. આવી ફેક્ટરીઓનું સ્થાનાંતર કરવામાં જ ત્રણ-ચાર વર્ષ લાગી જાય. ત્યાં સુધીમાં ટ્રમ્પનો કાર્યકાલ પૂરો થઈ જાય. આમ, ટ્રમ્પના આ નિર્ણયથી સહુથી વધુ ભીંસમાં યુ.એસ.ની મોટરકાર ઉત્પાદક કંપનીઓ આવી છે. બીજી તરફ કેનેડાએ અગાઉ જાહેરાત કરી હતી કે, જો કેનેડાના માલસામાન પર ટેરિફ લાદવામાં આવ્યું તો તેઓ યુ.એસ.ના સરહદી રાજ્યોને જે વીજપૂરવઠો પૂરો પાડે છે તે બંધ કરી દેશે. જો આમ થાય તો યુ.એસ.ના ત્રણ રાજ્યોમાં અંધારપટ છવાઈ જાય.
2 એપ્રિલની તૈયારી કરતું ટ્રમ્પ પ્રશાસન:

ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ 2 એપ્રિલ થી જવાબી ટેરિફ લાદશે. ભારતીય સમય મુજબ 2 એપ્રિલની મધરાતે આ અંગેની જાહેરાતો કરવામાં આવશે. જેથી તેની ભારતીય બજાર પર અસર ગુરુવારે જોવા મળે.