નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં નાગરિક ઉડ્ડયન સંબંધી માળખાગત સુવિધાઓનો વિકાસ તથા આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવવાનો નિર્ણય કરાયો છે.
પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ઝાલોદ ખાતે ટુંક સમયમાં જ આંતરરાજ્ય એરપોર્ટ કાર્યરત થઈ જશે. દાહોદ ખાતેમાં વિકસાવવામાં આવનાર એરપોર્ટમાં ખાનગી જમીનનો સમાવેશ થતો નથી ૧૦૦ ટકા સરકારી જમીન મેળવવામાં આવશે.
દાહોદ જિલ્લામાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પસાર થાય છે તેમજ દાહોદ ને અડીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્ય આવેલા છે. આ એરપોર્ટ વિકસાવવાથી ગુજરાતમાંથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ ખાતે એર કનેક્ટિવિટી પૂરી પાડી શકાશે. દાહોદથી ૧૫૦ કિ.મી. ના અંતરે એક પણ એરપોર્ટ નથી જેથી આ એરપોર્ટના વિકાસથી દાહોદ જિલ્લાની ઇકોનોમીમાં પણ વધારો થશે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.