ટ્રમ્પના શાસન વખતે અમેરિકામાં ન રહેવું હોય તો ૪ વર્ષનો ક્રૂઝ-પ્લાન જાહેર કર્યો હતો, જેમાં ૧૪૦થી વધુ દેશો ફરીને ૨૦૨૮માં પાછા આવવાનું છે. હવે ડોનલ્ડ ટ્રમ્પના કાર્યકાળ સમયે અમેરિકામાં નહીં રહેવા માગતા અમેરિકનો માટે ઇટલીએ એના એક ગામમાં અમેરિકનોને વસવાટ કરવાનું આમંત્રણ આપ્યું છે અને આ માટે માત્ર એક ડૉલર એટલે કે આશરે ૮૪ રૂપિયામાં ઘર ઑફર કર્યું છે. ઇટલીમાં સાર્ડિનિયા ટાપુના ઓલ્લોલાઈ ગામમાં અમેરિકનોને રહેવા આમંત્રણ આપવા ઇટલીએ એક વેબસાઇટ પણ બનાવી છે અને જણાવ્યું છે કે તેમને ઘર ફાળવવામાં પણ પ્રાયોરિટી આપવામાં આવશે.
આ ગામમાં એક સમયે ૨૨૫૦ લોકોની વસ્તી હતી પણ ગામના લોકો નોકરી-ધંધો શોધવા બહાર નીકળી જતાં હવે અહીં માત્ર ૧૧૫૦ લોકો જ વસવાટ કરે છે. આ ગામમાં ઘરો ઘણાં જર્જરિત અને પડી જાય એવી સ્થિતિમાં છે આથી આવાં ઘર એક ડૉલરમાં આપવામાં આવી રહ્યાં છે. જોકે સારાં ઘર તો એક લાખ ડૉલર (આશરે ૮૪ લાખ રૂપિયા)માં પણ ઉપલબ્ધ છે. જૂનાં ઘર લઈ એને રિપેરિંગ કરીને રહેવા માટે પણ ઇટલી સરકાર સહાય આપશે અને આ માટેનાં લૉજિસ્ટિક્સ ઉપલબ્ધ કરાવશે.