ટીવીથી લઈને ઓટીટી અને સોશિયલ મીડિયા સુધીનાં દરેક પ્લેટફોર્મ પર બ્લેક ફ્રાઈડે સેલની જાહેરાતો આવે છે. લગભગ દરેક ઈ-કોમર્સ વેબસાઈટ બ્લેક ફ્રાઈ ડે ના નામે 40-70 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. વાસ્તવમાં, દરેક ઈ-કોમર્સ વેબસાઈટ પોતાનાં ગ્રાહકોને પોતાની રીતે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.
મોટાભાગે સેલ દિવાળી, નવું વર્ષ કે અન્ય કોઈ મોટા તહેવાર પર જોવા મળે છે. પરંતુ બ્લેક ફ્રાઈડેના નામે તમામ ઈ-કોમર્સ વેબસાઈટ આ જ નામથી વેચાણ ચલાવી રહી છે અને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. દિવાળીનાં વેચાણની સીઝન પછી, સૌંદર્ય પ્રસાધનો, બૂટ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને પ્રીમિયમ પેકેજ્ડ ફૂડનું વેચાણ કરતી કંપનીઓ બ્લેક ફ્રાઇડેના સેલનો લાભ લઈને સ્ટોક સાફ કરવાનો પ્રયાસ કરી રહી છે.
બ્લેક ફ્રાઈ ડેની ઉજવવાની શરૂઆત અમેરિકાથી થઈ હતી. આ દિવસ દર વર્ષે અહીં ઉજવવામાં આવે છે. આ દિવસ થેંક્સગિવિંગ પછી આવતાં શુક્રવારે ઉજવવામાં આવે છે. આ સંદર્ભમાં, આ વખતે બ્લેક ફ્રાઈડે 29 નવેમ્બરે ઉજવવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસથી ક્રિસમસની ખરીદી શરૂ થાય છે. આ પ્રસંગને શક્ય તેટલું નફાકારક બનાવવા માટે, શોપિંગ સાઇટ્સ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. પહેલાં આ દિવસ માત્ર અમેરિકામાં જ ઉજવવામાં આવતો હતો પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં અન્ય દેશોમાં પણ તેનો ક્રેઝ વધ્યો છે. અને, ઈ-કોમર્સ વેબસાઈટ્સ આ ક્રેઝનો ભરપૂર લાભ લઈ રહી છે. જેનાં કારણે અન્ય દેશોમાં પણ આ દિવસની ઉજવણી થવા લાગી છે.
એમેઝોને જણાવ્યું હતું કે, તે ભારતમાં તેની પ્રથમ બ્લેક ફ્રાઈડે સેલ ચલાવી રહ્યાં છે, જેમાં એપલ, સેમસંગ, સોની, નાઈક, કેલ્વિન ક્લીન, એડિડાસ, અને પેનાસોનિકના ઉત્પાદનો પર ઓફર મળશે જે 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલશે. આ સેલમાં મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક્સ, લક્ઝરી હેન્ડબેગ્સ અને ચા અને ચ્યવનપ્રાશ જેવાં મોટા પેક ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ 40-75 ટકા હશે.
બ્લેક ફ્રાઇડેની આસપાસની ઘણી મોંઘી વસ્તુઓ પર ઑફર્સ આપવામાં આવે છે સાથે, બ્યુટી અને પર્સનલ કેર, ઘડિયાળો અને અન્ય વસ્તુઓ, મહિલાઓના ડ્રેસ, પુરુષોનાં કેઝ્યુઅલ કપડાઓ, સ્પોર્ટ્સ ફૂટવેર સહિતની વસ્તુઓમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. બ્લેક ફ્રાઈ ડેમાં ઓનલાઈન વેચાણ ખૂબ જ મજબૂત રહ્યું હતું.” સ્વીડિશ ફેશન રિટેલર એચ એન્ડ એમએ ઈન્ડિયામાં બ્લેક ફ્રાઈડે દરમિયાન 70 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપ્યું હતું.
ટ્રાવેલ પ્લેટફોર્મ અને એરલાઈન્સ પણ આ ટ્રેન્ડમાં જોડાઈ ગઈ છે. હોલીડે બુકિંગ પ્લેટફોર્મ બુકિંગ ડોટ કોમ પર 4 ડિસેમ્બર સુધી 35 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે જ્યારે ઈન્ડિગો એરલાઈન્સ ચાર દિવસ માટે ડિસ્કાઉન્ટ આપી રહી છે.