નવી દિલ્હી :
અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે એક સાથે અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ પૈકી, ભારતીયોને અસર કરતો સૌથી મોટો નિર્ણય જન્મજાત નાગરિકતા અધિકાર નાબૂદ કરવા સંબંધિત આદેશ છે જે 1868 થી અમલમાં છે.
ભારતીય મૂળનાં લોકો પર શું અસર પડશે ?
હાલમાં 4.8 મિલિયન એટલે કે 48 લાખ ભારતીય મૂળનાં લોકો અમેરિકામાં રહે છે, જે અમેરિકાની કુલ વસ્તીનાં 1.47 ટકા છે. આમાંથી બે તૃતીયાંશ લોકો ઇમિગ્રન્ટ્સ છે, જ્યારે 34 ટકા અમેરિકામાં જન્મ્યાં હતાં. તેમાંથી મોટાભાગનાં લોકો આ નવાં ફેરફારથી પ્રભાવિત થશે.
ભારતીય મૂળનાં લોકો પણ મોટી સંખ્યામાં છે જેમણે જન્મ સમયે અમેરિકન નાગરિકતા મેળવી છે. જો આ નીતિ લાગું કરવામાં આવે છે, તો એચ-1બી જેવાં અસ્થાયી વર્ક વિઝા હેઠળ કામ કરતાં અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં લોકોનાં બાળકોને જન્મનાં આધારે યુએસ નાગરિકતા નહીં મળે.
ભારતીય પરિવારોને કેવી અસર થશે ?
એચ-1બી વિઝા હેઠળ અમેરિકામાં નોકરી કરવા ગયેલાં ઘણાં ભારતીયો માટે, તેમનાં બાળકોને આપવામાં આવેલી અમેરિકન નાગરિકતા તેમની નાગરિકતા પણ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે, પરંતુ હવે નવી નીતિને કારણે આ બાળકોની નાગરિકતા જોખમમાં છે.
પેરિસ કરાર ભારત માટે નેતૃત્વની તક
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ’પેરિસ એગ્રીમેન્ટ ઓફ ક્લાઈમેટ ચેન્જ’થી પોતાને દૂર કર્યા છે. ભારત પેરિસ કરારનો ભાગ છે. નિષ્ણાતોના મતે આ સમયે ભારત ગ્લોબલ સાઉથ લીડરશીપમાં પોતાનું નેતૃત્વ મજબૂત કરી શકે છે.
ક્લાઈમેટ ટ્રેન્ડના ડાયરેક્ટર આરતી ખોસલાના કહેવા પ્રમાણે, અમેરિકાના ખસી જવાથી ભારત જેવાં દેશો પર જવાબદારી વધી જાય છે. 2022 માં, આબોહવા પરિવર્તનને કારણે વિશ્વને 10360000 કરોડ રૂપિયાનું જીડીપી નુકસાન થયું હતું. આમાં ભારતે તેનાં જીડીપીના 8 ટકા ગુમાવ્યાં હતાં.
જન્મજાત નાગરિકતા શું છે ?
યુએસ બંધારણનાં 14મા સુધારા મુજબ, અમેરિકન ધરતી પર જન્મેલાં કોઈપણ બાળકને તેનાં માતાપિતાના ઇમિગ્રેશન અથવા નાગરિકત્વની સ્થિતિને ધ્યાનમાં લીધાં વિના, આપમેળે નાગરિકતા મળે છે.
ટ્રમ્પનાં આદેશના અમલ પછી, અમેરિકામાં જન્મેલાં બાળકને ત્યારે જ નાગરિકતા મળશે જ્યારે તેનાં માતાપિતામાંથી કોઈ અમેરિકન નાગરિક, ગ્રીન કાર્ડ ધારક અથવા યુએસ આર્મીમાં હોય.
‘વાયએમસીએ’ ગીત પર ડાન્સ
શપથ ગ્રહણ સમારોહ બાદ ટ્રમ્પને ’કમાન્ડર-ઈન-ચીફ’ બોલ પર કેક કાપવા માટે તલવાર આપવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે પ્રખ્યાત ગીત ’વાયએમસીએ’ વગાડવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે હાથમાં તલવાર લઈને નાચવાનું શરૂ કર્યું હતું, આ પછી તેણે પત્ની મેલાનિયા સાથે ડાન્સ પણ કર્યો હતો.
ભારતીય વિદ્યાર્થીઓનું શું થશે ?
ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરતાં બીજા સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સમુદાય છે. આવી સ્થિતિમાં, જો એફ 1 વિઝા પર અભ્યાસ કરતાં લોકો લગ્ન કરે છે અને બાળકો ધરાવે છે, તો તેમને નાગરિકતા નહીં મળે. સંસદ અને કોર્ટમાં ટ્રમ્પનાં આદેશની કાયદેસરતા સાબિત કરવામાં વર્ષો લાગી શકે છે.