અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષમાં વધુ એક અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલા આ 172માં ગુપ્ત અંગદાનની વિગતોમાં ગત 6 નવેમ્બરના રોજ એક દર્દીનો અકસ્માત થતા માથામાં ગંભીર ઇજાના કારણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. આધેડ વયના વ્યક્તિને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તારીખ 8 નવેમ્બરના રોજ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો તેમજ જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ રેખાબેન સોલંકીનાં પ્રયાસોથી દર્દીના પરિવારજનો અંગદાન કરવા સંમત થયા હતા. આ અંગદાનથી સિવિલ હોસ્પિટલને એક લીવર તેમજ બે કીડનીનું દાન મળ્યું.
સિવિલ હોસ્પિટલની એવોર્ડસ પ્રાપ્ત થયોઃ ડો. રાકેશ જોષી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે 5 નવેમ્બરના રોજ યોજાયેલ 16માં FICCI એવોર્ડ સમારંભમાં ઓર્ગન ડોનેશનની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિવિલ હોસ્પિટલ અમદાવાદને નામાંકીત ક્રિકેટર કપીલદેવનાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે સિવિલ હોસ્પિટલ તેમજ રાજ્યના આરોગ્ય વિભાગ માટે ખુબ ગૌરવની વાત છે.
558 અંગોનું દાનથી 540ને જીવનદાન મળ્યું
આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 558 અંગોનું દાન મળેલ છે. જેના થકી 540 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. આ અંગદાનથી દાનમાં મળેલ બે કિડની તેમજ એક લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 310 કિડની, 149 લીવર, 52 હૃદય, 30 ફેફસા, 9 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 5 સ્કીન અને 116 આંખોનું દાન મળ્યું છે.