અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સત્યમેવ હોસ્પિટલની પાછળના ભાગે આવેલા ફ્લેટના નજીક ખુલ્લા પ્લોટમાં 70થી વધુ કબુતરોના મોત થયા છે. સવારના સમયે સોસાયટીના પાર્કિગ ભાગમાં 10થી 15 કબુતરો મરેલા જેવી હાલતમાં પડ્યા હોવાના પગલે સ્થાનિક લોકોએ જ્યારે બહાર જઈને પાછળના ભાગે આવેલા કોમન ખુલ્લા પ્લોટમાં તપાસ કરી તો 50થી 60 કબુતરો મરેલી હાલતમાં મળી આવ્યા હતા. જેના પગલે તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ અને પશુ સારવાર સંસ્થાઓને જાણ કરી હતી. કબુતરોના મૃત્યુ શેના કારણે થયા તે હજી સુધી જાણવા મળ્યું નથી.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં સત્યમેવ હોસ્પિટલની પાછળ આવેલા હીરાધન હેલિકોન નામના ફ્લેટ આવેલા ખુલ્લા પ્લોટમાં 70થી વધારે કબુતરો મરેલા જોવા મળ્યાં હતાં. રવિવારે સવારના સમયે ફ્લેટમાંથી નીચે ઉતર્યા ત્યારે જોયું તો 10થી 15 કબુતરો મૃત હાલત હોય તેવા જોવા મળ્યા હતા. જેથી તાત્કાલિક ધોરણે લોકો ભેગા થઈ ગયા હતા અને આસપાસની સોસાયટી અને પ્લોટમાં તપાસ કરવામાં આવી હતી. ફ્લેટની પાસેના ભાગમાં આવેલા ખુલ્લા પ્લોટમાં જ્યાં લોકો કબુતરને ચણ નાખે છે ત્યાં તપાસ કરવામાં આવી તો 70થી વધુની સંખ્યામાં કબુતરો મૃત હાલતમાં પડેલા હતા.
10 બેભાન કબુતરોને સારવાર આપવામાં આવી હતી
એક સાથે આટલા બધા કબુતરોના મોત થયા હોવાને લઈને લોકોમાં પણ ભારે ભય ફેલાયો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગ સહિત જે પશુ સારવાર કરનારી સંસ્થાઓ હોય તેને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન કે વન વિભાગના કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ ફરક્યા નહોતા. નેચર ટ્રસ્ટને જાણ કરવામાં આવતા તેઓ પહોંચી ગયા હતા. 10 જેટલા કબુતરો જેઓ ત્યાં નીચે બેભાન જેવી હાલતમાં હતા તેમને સારવાર આપવામાં આવી હતી. મરેલા કબુતરોને ટ્રસ્ટના પશુ ડોક્ટર સાથે લઈ ગયા હતા.