અમદાવાદમાં ઉતરાયણ પહેલા વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘોડાસર વિસ્તારમાં બાઇક ઉપર પસાર થઈ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, કે.એ.ગઢવીના જણાવ્યા મુજબ નારોલ વિસ્તારમાં રહેતા અને દૂધેશ્વર વિસ્તારમાં કુરીયર કંપનીમાં નોકરી કરતા 27 વર્ષના હિમાંશુ રાણા ગતરોજ સાંજે 6 વાગ્યે બાઇક લઈને ઘોડાસર ચોકડીથી કેનાલ તરફ આવી રહ્યા હતા. આ સમયે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં આવી જતાં યુવક બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો અને લોહી લુહાણ હાલતમાં મૃત્યું પામ્યો હતો.
પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં બાઇક ઉપર પસાર થતો હતો ત્યારે ગળામાં દોરી આવી ગઈ હતી. જેથી યુવક ગાળામાંથી દોરી હટાવવાનો પ્રયાસ કરી રહ્યો પરંતુ ગળુ કપાઈ જતાં રોડ ઉપર પટકાતાં મોત થયું હતું. પોલીસને બાઈકમાં ફસાયેલી ચાઇનીઝ દોરી પણ મળી આવી હતી. નોંધનીય છે કે, ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. હજુ ઉત્તરાયણ પર્વને બે મહિના બાકી છે ત્યારે અત્યારથી રોડ ઉપર પતંગ ચગાવવાના શરુ થઈ ગયા છે અને તેમાંયે ગંભીર બાબત એ છે કે પતંગ ચાઇનીઝ દોરીથી ચગાવવામાં આવી રહ્યા છે.