આગામી ત્રણ વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના કામને લઈ રેલવે મંત્રાલયે સ્ટેશન પરથી ઉપડતી અને પસાર થતી ટ્રેનોને ડાયવર્ટ કરવા સુચના જારી કરી છે. જેમાં અમદાવાદથી ઉપડતી 47 જેટલી ટ્રેનને રાજકોટ સહિત સાબરમતી, મણિનગર, વટવા અને અસાવરવા સ્ટેશન પર ડાયવર્ટ કરાશે. જ્યારે અમદાવાદથી પસાર થતી 37 ટ્રેનને મણિનગર, સાબરમતી સ્ટેશન પર ડાયવર્ટ કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કવાયત રેલવે વિભાગે હાથ ધરી છે.
જોકે હજુ વિવિધ ટ્રેનને જેતે સ્ટેશન પર ડાઈવર્ટ કરવાનું પ્રાથમિક આયોજન જ કરાયું છે. આગામી દિવસોમાં તેને ઉચ્ચકક્ષાએથી મંજુરીની મહોર લાગ્યા બાદ તબક્કાવાર ટ્રેનો વિવિધ સ્ટેશને ટ્રાન્સફર કરાશે.
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણનું કામકાજ હાથ ધરાયું છે. આ કામગીરી આગામી ત્રણ વર્ષ થતી ટ્રેનોને અમુક સમય સુધી ડાયવર્ટ કરવામાં આવશે. આ અંતર્ગત રેલવે મંત્રાલયે પરિપત્ર જાહેર કરી અમદાવાદ કાલુપુર સ્ટેશનથી ઉપડતી 47ટ્રેનને વિવિધ સ્ટેશનો પર ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરી છે.
જેમાં બે ટ્રેનને સાબરમતી, 12 ટ્રેનને મણિનગર, 25 ટ્રેનને વટવા, 4 ટ્રેનને અસારવા જ્યારે 4 ટ્રેનને રાજકોટ રેલવે સ્ટેશન પર ડાયર્વટ કરાશે. આ ઉપરાંત અમદાવાદથી પસાર થતી વિવિધ 37 ટ્રેનને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મણિનગર, સાબરમતી અને બીજા સ્ટેશન પર ડાયવર્ટ કરાશે.