ધિરાણમાં ગેરરીતિઓ બદલ રિઝર્વ બેંકે નાગપુર સ્થિત ઝેવરોન ફાયનાન્સની નોંધણી રદ કરી છે. પોતાના નિવેદનમાં રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, ઝેવરોન ફાયનાન્સે નાણાં-સંસ્થાએ કરવાના થતાં કાર્યો જેવાં કે કે.વાય.સી. વેરીફીકેશન, વ્યાજદર નક્કી કરવા, ધિરાણપાત્રતા ચકાસવી, ધિરાણની ચૂકવણી જેવાં મોટાભાગના કાર્યો આઉટસોર્સ કર્યા હતા અને કંપની ડિજીટલ ધિરાણમાં કાર્યરત હતી.
વધુમાં, નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ધિરાણ સેવા આપનારે રાખવાની થતી તકેદારીઓ જેવી કે કોમ્પલાયન્સ, આંતરિક અંકુશ, પોતાની ક્ષમતાની મુલવણી, અસલી લાભાર્થીની ઓળખ તેમની રાષ્ટ્રીયતા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે પગલાં લેવામાં કંપની નિષ્ફળ રહી છે. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે કંપનીએ પોતાના ગ્રાહકોને તેમની ભાષામાં ધિરાણ-કરાર પૂરો નહિ પાડી ફેર પ્રેક્ટિસીસ કોડનો ભંગ કર્યો છે.
બીનેનાન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિક્રોકાર્ડ ઇન્ડિયા ટેકનોલોજી કન્સલ્ટિંગ સર્વિસ, ટ્રુથીઘ ફીનટેક, જેસી ફ્લેશ ટેકનોલોજી (ફ્લેશ કેશ), કેશબુલ ફાયનાન્શયલ ટેકનોલોજી, ઓનિયન ક્રેડિટ (કેશ મામા), ક્રેઝી રુપી અને ઝીનકેશ આ કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી કે સંચાલિત અન્ય સેવાઓ/ મોબાઇલ એપ છે. નોંધણી રદ થયા બાદ ઝેવરોન ફાયનાન્સ બીનબેંકિંગ નાણાં સંસ્થા (NBFC) તરીકે વ્યવહાર નહિ કરી શકે.