દેશમાં માદક દ્રવ્યો ઘુસાડવામાં સતત થઇ રહેલા પ્રયાસમાં એક તરફ ગુજરાતમાં અત્યાર સુધીમાં 3500 કિલોથી વધુ માદક દ્રવ્યો ઝડપી લેવાયો છે તે વચ્ચે ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશનમાં અંદામાનના દરિયામાંથી 6000 કિલો ડ્રગ્સ સાથે એક ફિશીંગ બોટને ઝડપી લીધી હતી.
દેશમાં કોઇ એક સ્થળે એક જ સમયે સૌથી વધુ ડ્રગ્સનો ઝડપાયો હોય તેવી આ સંભવિત પ્રથમ ઘટના છે. બે-બે કિલોના પેકમાં ડ્રગ્સ ફીશીંગ બોટમાં રખાયું હતું અને આ પ્રકારે 3000 પેકેટ ઝડપી લેવાયા હતા. કોસ્ટગાર્ડે ચપળતાપૂર્વક પાર પાડેલા આ ઓપરેશનમાં મ્યાનમારના 6 લોકોને પણ ઝડપી લીધા છે.
આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર મુજબ કરોડોની થવા જાય છે. ગત તા.23ના રોજ કોસ્ટગાર્ડના એરક્રાફટ દ્વારા પેટ્રોલીંગ સમયે બારન ટાપુ નજીક એક બોટની શંકાસ્પદ હિલચાલ જોઇ હતી. આ ટાપુ પોર્ટબ્લેરથી 150 કિ.મી. દૂર છે. આ ફીશીંગ બોટને તૂર્ત જ રડારમાં લેવામાં આવી હતી અને તેનો સંપર્ક કરીને તેની ગતિ ઘટાડવા અને કિનારાભણી પહોંચવા આદેશ આપ્યો હતો.
જો કે આ ફીશીંગ બોટે ઝડપ વધારીને નાસી જવાની કૌશિષ કરતાં અગાઉથી એલર્ટ કોસ્ટગાર્ડના જવાનોએ તેને આંતરી હતી અને તેમાં તલાસી લેતા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. આ ડ્રગ્સ હાલમાં ગુજરાતમાં ઝડપાયેલ મેથાડોન પ્રકારનું હોવાનું બહાર આવ્યું છે અને તેનો ઉપયોગ ડ્રગ્સ બનાવવામાં થાય છે.
આમ ગુજરાત અને આંદામાન-નીકોબારમાં એક જ પ્રકારનું ડ્રગ્સ ઝડપાયું છે તે પણ જોગાનજોગ ગણી શકાય નહીં હવે આ તમામ છ લોકોની પૂછપરછમાં વધુ માહિતી બહાર આવશે.