ન્યૂયોર્ક : અદાણી જૂથના સંસ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી તથા તેમના ભત્રીજા સાગર અદાણીને અમેરિકન એસઈસીએ સમન્સ પાઠવ્યું છે અને ૨૬.૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૨,૨૦૦ કરોડ)ની લાંચના કેસમાં ૨૧ દિવસમાં જવાબ આપવા અથવા ઓફર આપતા તેમનું વલણ સ્પષ્ટ કરવા જણાવાયું છે. બીજીબાજુ અદાણી જૂથના સીએફઓએ દાવો કર્યો છે કે જૂથની ૧૧માંથી કોઈપણ કંપની પર કોઈ કાયદાકીય કેસ નથી અને તેના પર કોઈપણ પ્રકારના ખોટા કામનો આરોપ મૂકાયો નથી.
અમેરિકન સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન (એસઈસી)એ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીને ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને ૨૬.૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૨,૨૦૦ કરોડ)ની લાંચ આપવાના આરોપ મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. આ માટે ગૌતમ અદાણીને તેમના અમદાવાદ સ્થિત શાંતિવન ફાર્મના નિવાસ જ્યારે ભત્રીજા સાગર અદાણીને અમદાવાદમાં જ બોડકદેવ સ્થિત તેમના નિવાસ પર સમન્સ મોકલીને ૨૧ દિવસમાં જવાબ અથવા પોતે નિર્દોષ હોવાની અરજી આપવા જણાવાયું છે.
ન્યૂયોર્ક ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે ૨૧ નવેમ્બરે આપેલી નોટિસમાં જણાવ્યું છે કે આ સમન્સ તમને પાઠવવામાં આવે (તમે મેળવો ત્યારથી નહીં) ત્યારથી ૨૧ દિવસની અંદર તમારે ફરિયાદી એસઈસીને તમારો જવાબ અથવા સિવિલ પ્રક્રિયાના ફેડરલ રુલ્સના રુલ ૧૨ હેઠળ દરખાસ્ત આપવાની રહેશે. તેમાં વધુમાં જણાવાયું છે કે તમે જવાબ આપવામાં નિષ્ફળ જશો તો ફરિયાદમાં માગવામાં આવેલી રાહત માટે તમારા વિરુદ્ધ ડિફોલ્ટરૂપે આદેશ અપાશે. તમારે જવાબ અથવા પોતે નિર્દોષ હોવાની અરજી કોર્ટમાં દાખલ કરવાનો રહેશે.
અમેરિકન ન્યાય વિભાગ અને એસઈસી તરફથી લગાવાયેલા આરોપોને અદાણી જૂથે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કંપની બધા જ શક્ય કાયદાકીય સંશાધનોનો ઉપયોગ કરશે. અમેરિકામાં મૂળભૂત રીતે આ કેસની તપાસ ૨૦૨૨માં શરૂ થઈ હતી અને તેમને જણાયું હતું કે તપાસમાં અવરોધો પેદા કરાયા હતા.
દરમિયાન અદાણી ગૂ્રપના સીએફઓ જુગેશિંદર રોબિ સિંહે કહ્યું હતું કે, અદાણી જૂથની ૧૧ લિસ્ટેડ કંપનીઓ પર કોઈપણ ખોટું કામ કરવાનો આરોપ મૂકાયો નથી. અદાણી જૂથ વકીલની મંજૂરી મળ્યા પછી અમેરિકન કેસ પર વિસ્તૃત ટીપ્પણી કરશે. એવા ઘણા સમાચારો છે, જેમાં અસંબંધિત વસ્તુઓને ઉઠાવી હેડલાઈન બનાવવાનો પ્રયત્ન કરાયો છે. મારી વિનમ્ર વિનંતી છે કે અમે કાયદાકીય પ્રક્રિયામાં પ્રસ્તુત કેસની વિસ્તૃત સમીક્ષા કર્યા પછી સમયસર જવાબ આપીશું.
તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ કોર્ટે હજુ સુધી આ કેસમાં ચૂકાદો સંભળાવ્યો નથી. આ હજુ આરોપ છે અને આરોપીઓના નિર્દોષ હોવાની શક્યતા છે તેમ અમેરિકન ન્યાય વિભાગના વકીલોએ જણાવ્યું હતું.