નવી દિલ્હી – આગામી બજેટમાં સ્માર્ટફોનના તેમજ તેનાં કમ્પોનેન્ટસ પરની કસ્ટમ ડ્યુટીમાં કોઈ પણ ઘટાડો ભારતની વિકાસશીલ ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડશે, રોકાણને નિરુત્સાહિત કરશે, આયાતમાં વધારો કરશે અને સ્થાનિક કંપનીઓને બિન-સ્પર્ધાત્મક બનાવશે, જેના પરિણામે સંભવિત રીતે નોકરીઓ જશે, એમ થિંક ટેન્ક જી.ટી.આર.આઈ. એ મંગળવારે જણાવ્યું હતું.
ભારતનો સ્માર્ટફોન ઉદ્યોગ ‘મેક ઇન ઇન્ડિયા’ ની સફળતાની ગાથા છે, જેનું ઉત્પાદન 49.2 અબજ ડોલર સુધી પહોંચ્યું છે અને નિકાસ 15.6 અબજ ડોલર છે, જે સ્માર્ટફોનને ડીઝલ, ઉડ્ડયન ઇંધણ અને પોલિશ્ડ હીરા પછી ચોથી સૌથી મોટી નિકાસ બનાવે છે.
જો કે, કેટલાક ઉદ્યોગ જૂથો નાણાકીય વર્ષ 26 માટે કેન્દ્રીય બજેટમાં સ્માર્ટફોનના પાર્ટસ પર આયાત ટેરિફમાં વધુ ઘટાડો કરવા દબાણ કરી રહ્યા છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ચેતવણી આપે છે કે આનાથી ભારતની વધતી સ્થાનિક ઉત્પાદન ઇકોસિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક્સમાં લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે.
“ટેરિફમાં કાપ મૂકવાને બદલે, GTRI આયાતમાં વિલંબ અને વેરહાઉસિંગ ખર્ચ ઘટાડવા માટે બંદરોની નજીક એસેમ્બલિંગ કેન્દ્રો સ્થાપવાની ભલામણ કરે છે. વિયેતનામ અને ચીન જેવા દેશો દ્વારા અપનાવાયેલ આ અભિગમ સ્થાનિક ઉત્પાદનને ટેકો આપશે અને આયાત પરની નિર્ભરતા ઘટાડશે”, તેમ થિંક ટેન્કના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
ટેરિફ ઘટાડવાના છ મુખ્ય જોખમો પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે કોઈપણ ઘટાડો ભારતની વિકાસશીલ ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડશે, રોકાણને નિરુત્સાહિત કરશે અને આત્મનિર્ભરતાના લક્ષ્યને હાનિ પહોંચાડશે; અને નિકાસને આગળ વધારવામાં મદદ કરશે નહીં કારણ કે હાલની નિકાસ યોજનાઓ પહેલેથી જ ઉત્પાદન નિકાસ માટે ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપે છે.
તેમણે ઉમેર્યું હતું કે સ્માર્ટફોન ઉત્પાદનમાં દેશની સફળતા ટેરિફ, પ્રોત્સાહનો અને તબક્કાવાર કાર્યક્રમો દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપતી નીતિઓમાંથી ઉદ્ભવેલ છે અને ટેરિફમાં કાપ મૂકવાથી આ માળખું નબળું પડી શકે છે.
“ઓછી ટેરિફ બિનટકાઉ એસેમ્બલી-આધારિત કામગીરીને પ્રોત્સાહન આપે, જે ભૂતકાળની નીતિગત નિષ્ફળતાઓમાં જોવા મળે છે. આ ઉપરાંત, મધ્યમ અને નિમ્ન-સ્તરના પાર્ટસ સ્થાનિક પરિબળો પર આધાર રાખે છે અને રોજગારી પૂરી પાડે છે. કરવેરામાં કાપ મૂકવાથી સ્થાનિક કંપનીઓ બિન-સ્પર્ધાત્મક બનશે, જેના પરિણામે નોકરીઓ જશે”, એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે અને ટેરિફમાં વધુ ઘટાડાથી આ વલણ વધુ ખરાબ થશે, જેનાથી વિદેશી સપ્લાયરો પર ભારતની નિર્ભરતા વધશે. નોંધવું રહ્યું કે ગયા વર્ષે ટેરિફ 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યું હતું.
વધુ ખુલાસો કરતાં, GTRI એ જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષમાં 49.2 અબજ ડોલરના સ્માર્ટફોનના ઉત્પાદનમાંથી, પ્રીમિયમ ફોનનું ઉત્પાદન લગભગ 20 ટકા, મિડ-રેન્જ 30 ટકા અને લો-એન્ડ 50 ટકા છે.
“સ્થાનિક કંપોનેન્ટ્સનો ઉપયોગ 70 ટકા લો-એન્ડ ફોનમાં, 50 ટકા મિડ-રેન્જ ફોનમાં અને માત્ર 5-30 ટકા પ્રીમિયમ ફોનમાં થાય છે. સ્થાનિક કંપોનેન્ટસનો વધતો ઉપયોગ ભારતના પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (પી. સી. બી.), ડિસ્પ્લે મોડ્યુલ, કેમેરા મોડ્યુલ, બેટરી પેક, સ્માર્ટ ફોન ચાર્જર અને એડેપ્ટર, વાયરિંગ હાર્નેસ, માઇક્રોફોન અને સ્પીકર, સિમ કાર્ડ હોલ્ડર અને યુ.એસ.બી. કનેક્ટર જેવા મિડ-એન્ડ અને લો-એન્ડ ફોન માટેના મુખ્ય ઘટકોના ઉત્પાદનને આભારી છે.
જો કે, ઇકોસિસ્ટમ હજુ પણ વિકસી રહી છે અને તેને સુરક્ષાની જરૂર છે, અને આયાત ટેરિફ ઘટાડવાથી ડ્યુટી-ફ્રી આયાતને છૂટ મળી જશે, જેનાથી સ્થાનિક કંપનીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે અને તેમને બંધ કરવાનું દબાણ ઊભું થશે, એમ તેણે જણાવ્યું હતું.
“આવું પગલું સ્થાનિક ઉત્પાદનમાં રોકાણ-વૃદ્ધિને નિરુત્સાહિત કરશે અને તબક્કાવાર ઉત્પાદન કાર્યક્રમ (પી.એમ.પી.) હેઠળ થયેલી પ્રગતિને શૂન્યવત કરશે. તે માત્ર સ્માર્ટફોન ઉદ્યોગને જ નહીં પરંતુ સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને નુકસાન પહોંચાડશે, જે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાના ભારતના લક્ષ્યને જોખમમાં મૂકશે.
તેમાં ઉમેરવામાં આવ્યું છે કે મિડ-રેન્જ અને લો-એન્ડ સ્માર્ટફોન સેગમેન્ટ, જે સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકો પર ભારે આધાર રાખે છે, તે રોજગારીની નોંધપાત્ર તકો પૂરી પાડે છે.
“જો આયાત વેરો ઘટાડવામાં આવે, તો સ્થાનિક કંપનીઓ કરમુક્ત આયાત સાથે સ્પર્ધા કરવા માટે સંઘર્ષ કરશે, જેના કારણે નોકરીઓ જશે. તેનાથી વિપરીત, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાન જેવા દેશોએ ઉચ્ચ મૂલ્યના કંપોનેન્ટસ માટે વિશેષ સ્થાનિક ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનાથી તેમને તેમના ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોને ટકાવી રાખવામાં અને લાંબા ગાળાની નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળી છે.
આયાત અંગે GTRI એ જણાવ્યું હતું કે ભારતની ઇલેક્ટ્રોનિક્સ કંપોનેન્ટસની આયાત વધી રહી છે. તે નાણાકીય વર્ષ 19માં 15.8 અબજ ડોલરથી વધીને નાણાકીય વર્ષ 24માં 34.4 અબજ ડોલર થઇ છે. ટેરિફમાં વધુ કાપ મૂકવાથી વિદેશી સપ્લાયરો પરની આ નિર્ભરતામાં વધારો થશે, જેનાથી ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનના ભંગાણ સામે વધુ સંવેદનશીલ બનશે.