નવા વર્ષે નકલી અધિકારીઓની શરૂઆત થઈ ચૂકી હોય તેમ દાહોદમાંથી નકલી આવકવેરા અધિકારી પકડાયા હતા. વેપારીની દુકાને 6 લોકો આયકર ઓફિસર બનીને આવ્યા હતા. પોલ ખુલતા 2 આરોપીઓ ઝડપાયા હતા. બાકીનાને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
દાહોદના સુખપર ગામે નકલી ઈન્કમટેકસ અધિકારીઓ પકડાયા હતા. ગામમાં એક વેપારીની દુકાને 6 નકલી ઈન્કમટેકસ અધિકારીઓએ રેડ કરી હતી. મળતી માહિતી મુજબ અલ્પેશ પ્રજાપતિની દુકાને 6 નકલી ઈન્કમટેકસ અધિકારીઓએ રેડ કરી હતી. જેમાં તેઓએ વેપારીના ચોપડા ચેક કરી દાગીના અને ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી.
નકલી અધિકારીઓએ કેસ ન કરવા માટે રૂપિયા 25 લાખની માંગણી કરી હતી જેમાં આશરે રૂપિયા 2 લાખ રોકડા લીધા હતા. ત્યારે નકલી અધિકારીઓએ નાણા અન્ય જગ્યાએ આપવાની વાત કરતા ભાંડો ફુટયો હતો.
જેમાં પોલીસે ભાવેશ આચાર્ય અને અબ્દુલ સુલેમાનને ઝડપી પાડયા હતા. જોકે અન્ય 4 શખ્સો ફરાર થયા હતા ત્યારે આ ઘટનાને લઈ સુખસર પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.