ઉત્તર પ્રદેશના ગાઝીપુર પહોંચેલી મેઘાલય પોલીસ ઇન્દોરની સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી છે. CJM કોર્ટે 72 કલાકના રિમાન્ડ આપ્યા છે. આ પહેલાં પોલીસે તેનું જિલ્લા હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવી, જ્યાં તેને દોડતા-દોડતા અંદર લઈ જવામાં આવી. સોનમ ડરેલી જોવા મળી હતી.
પતિ રાજા રઘુવંશીની હત્યાના 17 દિવસ બાદ સોનમ 8 જૂનની રાત્રે ગાઝીપુરમાં એક ઢાબા પર બેશુદ્ધ હાલમાં મળી આવી હતી. સોનમની વન સ્ટૉપ સેન્ટરમાં આશરે 18 કલાક પોલીસ ની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. સોનમે કાળા રંગની ટી-શર્ટ અને લોઅર પહેરેલું હતું. તેના વાળ વિખાયેલા હતાં. એવું લાગી રહ્યું હતું જાણે તે કેટલાંય દિવસથી સૂતી નથી.સોનમ તેના પતિ રાજા રઘુવંશી સાથે હનીમૂન માટે મેઘાલય ગઈ હતી.
તેના પર આરોપ છે કે તેણે કોન્ટ્રાક્ટ કિલરને ભાડે રાખીને તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાવી હતી. 2 જૂનના રોજ એક સર્ચ ઓપરેશન દરમિયાન, રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, તે સમયે સોનમ મળી ન હતી. પોલીસ સોનમની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ત્યારબાદ 9 જૂને તે મેઘાલયથી લગભગ 1100 કિલોમીટર દૂર ગાઝીપુરમાં મળી આવી હતી. એક મહિલા ઇન્સ્પેક્ટરે તેને પૂછ્યું કે તે ત્યાં કેવી રીતે પહોંચી. જવાબમાં સોનમે કહ્યું – મને કંઈ યાદ નથી.
તે ઢાબાના માલિક સાહિલ યાદવે કહ્યું- સોનમ રાત્રે 1 વાગ્યે ઢાબા પર પહોંચી અને રડવા લાગી. તેણે મને કહ્યું, ભાઈ, મને મારા પરિવાર સાથે વાત કરવા દો. તેણે મારા ફોનમાંથી પહેલાં પરિવાર સાથે વાત કરી અને પછી પોલીસને ફોન કર્યો. સોનમ કહી રહી હતી કે શિલોંગમાં તેના પતિ રાજા રઘુવંશીએ દાગીના ચોરી રહેલા ગુંડાઓ સાથે ઝઘડો કર્યો તો તે લૂંટારૂઓએ રાજાની હત્યા કરી નાંખી. ઢાબા સંચાલકે આખી ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે, રવિવારે મોડી રાત્રે લગભગ 1 વાગ્યે એક છોકરી અહીં આવી અને આવતાની સાથે જ તેણે મને પૂછ્યું – શું તમે મને તમારો મોબાઇલ આપશો? હું મારા પરિવારના સભ્યો સાથે વાત કરવા માંગુ છું. મેં તેને મારો મોબાઇલ આપ્યો, તેણે મોબાઇલ પરથી તેના ભાઈને ફોન કર્યો. ભાઈએ ફોન ઉપાડતાની સાથે જ તે જોરથી રડવા લાગી. તેણે કહ્યું કે તે ઢાબા પર છે. આ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો, તે રડી રહી હતી. અમે તેને અમારી હોટલની આગળ લઈ ગયા અને તેને ખાટલા પર બેસાડી, તે કોઈની સાથે વાત કરી રહી ન હતી. અમારા પરિવારની કેટલીક મહિલાઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેઓ તેની તબિયત વિશે પણ પૂછી રહ્યા હતા, પરંતુ તે કંઈ કહી રહી ન હતી, તે ચૂપ હતી.
સોનમને ખુરશી પર બેસાડ્યાના અડધા કલાક પછી, મેં તેને પૂછ્યું, દીદી, શું થયું? સોનમે મને કહ્યું કે, મારા લગ્ન મે મહિનામાં થયા છે. અમે મેઘાલય ફરવા ગયા હતા. રસ્તામાં, મારા ઘરેણા ચોરાઈ રહ્યા હતા તો મારો પતિ તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની હત્યા કરી દેવાઈ.
થોડીવાર પછી સોનમના ભાઈએ મને ફરીથી ફોન કર્યો. જ્યારે તેણે તેની બહેન વિશે પૂછ્યું, ત્યારે મેં તેને તેની તબિયત વિશે કહ્યું. ત્યારબાદ તેણે કહ્યું – તમે પોલીસને ફોન કરો. ફોન ડિસ્કનેક્ટ થયા પછી તરત જ, મેં ડાયલ-112 પર ફોન કર્યો. થોડી વાર પછી પોલીસ આવી, પોલીસે છોકરીની પૂછપરછ શરૂ કરી જેમાં તેણે પોતાનું નામ સોનમ રઘુવંશી જણાવ્યું. ત્યારબાદ પોલીસ સમજી ગઈ કે આ મામલો ઇન્દોર સાથે સંબંધિત છે. પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ. તે લગભગ દોઢ થી બે કલાક ત્યાં રહી.