ઉંચી બેલેન્સ ફરજીયાત; ચેકબુક-એટીએમના ચાર્જ છતાં ખાતામાં બેલેન્સ પર નહીવત વ્યાજ અપાય છે
સેવિંગ્સ ખાતા પર એક તરફ મીનીમમ બેલેન્સના આકરા નિયમો અને તેમાં જો ચૂક થાય તો તગડો દંડ કરતી દેશની બેન્કોએ હવે આ પ્રકારના ખાતાઓ પર વ્યાજના દરો પણ ઘટાડવા લાગતા બચત કર્તાઓને મોટો ગેરફાયદો થશે. બેન્કો તેના માર્જીનની ચિંતામાં થાપણો પરના વ્યાજદર ઘટાડે છે.
સેવિંગ્સ ખાતા જે પગારદાર કે સામાન્ય વર્ગના પરિવારો માટે મહત્વના છે તેને પણ હવે ટાર્ગેટ કર્યા છે. એચડીએફસી, એકસીસ બાદ હવે આઈસીઆઈસીઆઈ બેન્કે પણ સેવિંગ્સ ખાતા પરનો વ્યાજદર 25 બેઝીક પોઈન્ટ ઘટાડયા છે.
બેન્કે રૂા.50 લાખ કે તેથી ઓછીની બેલેન્સ ધરાવતા સેવિંગ્સ ખાતા પર વ્યાજદર 2.75% અને રૂા.50 લાખ કે તેથી ઉપરની બેલેન્સના ખાતામાં 3.25%નો વ્યાજદર નિશ્ચિત કર્યો છે. અગાઉ એચડીએફસી બેન્કે પણ આજ રીતે 25 બેઝીક પોઈન્ટ વ્યાજદર ઘટાડયો હતો.
સ્ટેટ બેંક હાલ 2.7%નો વ્યાજદર ઓફર કરે છે. એક સમયે આ પ્રકારના ખાતા પર 4%નો દર હતો. બેન્કોની દલીલ છે કે સેવિંગ્સ એકાઉન્ટમાં ઓછા બેલેન્સ વચ્ચે પણ અનેક પ્રકારની ‘સેવા’ આપવી પડે છે. જે બેન્કને ‘મોંઘી’ પડે છે તેથી તેના પર ઓછો વ્યાજદર જરૂરી છે.
જો કે એ અલગ બાબત છે કે બેન્કો ચેકબુક, એટીએમ વિ. ચાર્જ અલગથી વસુલે જ છે અને એક વખત પણ બેલેન્સ જો નિયમથી નીચે જાય તો તગડો ચાર્જ કરે છે.