સોનામાં 2100 તથા ચાંદીમાં 1700 નો ઉછાળો: ક્રુડતેલ 12 ટકા ઉછળ્યુ
ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધના મંડાણને પગલે દુનિયાભરનાં નાણાં બજારોમાં મોટી અફડાતફડી મચી હતી. સોના-ચાંદી,ક્રુડ, નેચરલ ગેસ જેવી કોમોડીટીમાં તેજી થઈ હતી. જયારે શેરબજાર તથા કરન્સી માર્કેટ તૂટયા હતા.ગભરાટ વચ્ચે સાવચેતીનો માહોલ હતો. ઈઝરાયેલ દ્વારા ઈરાન પર ભીષણ હુમલો કરાયાના સમાચાર વચ્ચે શેરબજાર ખુલતા પૂર્વે જ આવી ગયા હતા.
એટલે શરૂઆત જ ગેપડાઉન થઈ હતી. માર્કેટ ગભરાટભરી સ્થિતિમાં દબાણ હેઠળ જ હતું. યુદ્ધ વકરવાના સંજોગોમાં ક્રુડતેલમાં ભડકો સર્જાય ઉપરાંત સપ્લાય ખોરવાવા સહિતની ભીતિ દર્શાવવામાં આવી હતી. અન્ય દેશો એકબીજાના સમર્થનમાં આવવાના સંજોગોમાં હાલત વધુ ખરાબ થવાની આશંકા વ્યકત થતી હતી.
અર્થતંત્ર પર પણ પ્રત્યાઘાત પડી શકે. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે બે દિવસથી વિદેશી સંસ્થાઓની વેચવાલી, વૈશ્વિક અર્થતંત્રની ચિંતા સહિતના કારણોથી માર્કેટમાં સાવચેતી હતી તેવા સમયે યુદ્ધથી ગભરાટ ઉભો થયો હતો.
શેરબજારમાં આજે ટાઈટન, અદાણી પોર્ટ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, બજાજ ઓટો, જેવા શેરોમાં ઘટાડો હતો. ટીસીએસ ટેક મહિન્દ્ર, ભારત ઈલે. ઓએનજીસી વીપ્રો જેવા શેરોમાં સુધારો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 578 પોઈન્ટનાં ઘટાડાથી 8113 સાંપડયો હતો જે ઈન્ટ્રા-ડે નીચામાં 80354 તથા ઉંચામાં 81238 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજ નિફટી 171 પોઈન્ટ ગગડીને 24716 હતો તે ઉંચામાં 24754 તથા નીચામાં 24470 થયો હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં ગાબડુ પડયુ હતું. 40 પૈસાના ઘટાડાથી 86 સાંપડયો હતો.