નવી દિલ્હી
છેલ્લાં કેટલાક વર્ષોમાં સુપ્રીમ કોર્ટમાં કેસોનો નિકાલ ઝડપી બન્યો છે. હવે દર વર્ષે જેટલા નવા કેસ દાખલ થાય છે તેના કરતાં વધુ કેસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. 2021 ની તુલનામાં, સુપ્રીમ કોર્ટના નિકાલના દરોમાં આ વર્ષે એપ્રિલ સુધીમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે.
સુપ્રીમ કોર્ટે કેસોના નિકાલમાં હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોને પણ પાછળ છોડી દીધી છે. સુપ્રીમ કોર્ટની ઈન હાઉસ થિંક ટેન્ક સેન્ટર ફોર રિસર્ચ એન્ડ પ્લાનિંગએ જાહેર કરેલાં રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2021 સુધી ટોચની અદાલતમાં કેસોના નિકાલનો દર નિરાશાજનક હતો, જે 100 ટકાથી ઓછો હતો. હવે સુપ્રીમ કોર્ટમાં કેસોનો નિકાલ ઝડપથી કરવામાં આવ્યો છે અને તેમાં 100 ટકાનું લક્ષ્ય છે એટલું જ નહીં નિકાલ 104.05 ટકાએ પહોંચ્યો છે.
ટોચની અદાલતમાં પેન્ડિંગ કેસોની પેન્ડિંગતા નજીવી લાગી શકે છે, જે દેશની અદાલતોમાં કુલ પેન્ડન્સીના માત્ર 0.14 ટકા હિસ્સો ધરાવે છે. કુલ પેન્ડિંગ કેસોમાંથી, જિલ્લા અદાલતોનો હિસ્સો 88% કરતાં ઓછો છે અને ઉચ્ચ અદાલતોનો હિસ્સો 12% છે.
વિશ્વભરની ટોચની અદાલતો સાથેનું એક સાદું તુલનાત્મક વિશ્લેષણ દર્શાવે છે કે ભારતની સર્વોચ્ચ અદાલત વિશ્વભરમાં સૌથી વધુ કેસોના બોજને સંભાળી રહી છે, એમ અહેવાલમાં જણાવાયું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી લગભગ 16,000 કેસ ટ્રાયલ માટે સૂચિબદ્ધ નથી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં તેની થિંક ટેન્ક સીઆરપીને જૂના, નાના અને બિનઅસરકારક કેસોની ઓળખ કરવાનું કામ સોંપ્યું હતું.
100 ટકાથી વધુના દરે કેસોનો નિકાલ કરતી અદાલતો
ઝારખંડ હાઈકોર્ટ :- 128 ટકા
છત્તીસગઢ હાઈકોર્ટ :- 113.38 ટકા
ત્રિપુરા હાઈકોર્ટ :- 110.49 ટકા
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ :- 106.48 ટકા
મદ્રાસ હાઈકોર્ટ :- 105.01 ટકા
આંધ્રપ્રદેશ હાઈકોર્ટ :- 103.23 ટકા
કેરળ હાઈકોર્ટ :- 103.23 ટકા
તેલંગાણા હાઈકોર્ટ :- 102.15 ટકા
ઓરિસ્સા હાઈકોર્ટ :- 101.04 ટકા
કલકત્તા હાઈકોર્ટ :- 100.42 ટકા
હાઈકોર્ટ અને જિલ્લા અદાલતો ઓછા કેસોનું નિરાકરણ લાવે છે
અહેવાલ બતાવે છે કે દેશભરની ઉચ્ચ અદાલતો અને જિલ્લા અદાલતોમાં નિકાલનો દર સર્વોચ્ચ અદાલત કરતાં ઘણો ઓછો છે. રિપોર્ટ મુજબ દેશભરની હાઈકોર્ટમાં કેસોના નિકાલનો સરેરાશ દર 93.77 ટકા હતો.
જિલ્લા અદાલતોમાં સરેરાશ દર 96 ટકા છે. જો કે કેટલીક ઉચ્ચ અદાલતોમાં કેસોના નિકાલનો દર સુપ્રીમ કોર્ટ કરતાં વધારે છે. ઝારખંડ હાઈકોર્ટ 128 ટકાના દરે કેસોનો નિકાલ કરી રહી છે.