નવીદિલ્હી
ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી.અંજારિયાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આજે (શુક્રવારે) સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુકિત કરવા સત્તાવાર બહાલી આપી દીધી છે.
આ સિવાય, ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઇ અને બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.ચંદુકરને પણ સુપ્રીમકોર્ટ જજ તરીકે બહાલી મળી છે.
CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં છે. ગુજરાતના વધુ એક જજની સુપ્રીમકોર્ટમાં નિમણૂક સાથે રાજયના ન્યાયતંત્રમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા હજુ 3 દિવસ પહેલા જ આ નામોની સુપ્રીમકોર્ટ જજ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી હતી. જેની પર કેન્દ્રીય કાયદા મંત્રાલય અને સરકાર દ્વારા પુખ્ત વિચારણા બાદ આખરે ભારતના રાષ્ટ્રપતિએ પણ સત્તાવાર બહાલી આપી હતી.
સુપ્રીમકોર્ટની કોલેજીયમે જે 5 હાઇકોર્ટના જજોને જુદી જુદી હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુકત કરવાની જે ભલામણ કરી હતી, તેમાં આપણા ગુજરાતના વતની અને ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ પટણા હાઇકોર્ટના જજ વિપુલ મનુભાઇ પંચોલીને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરાઇ હતી.
સુપ્રીમકોર્ટને હવે નવા 3 જજ મળતાં સુપ્રીમકોર્ટમાં જજોનું કુલ સંખ્યાબળ 34નું થશે. જસ્ટિસ નિલય વી. અંજારિયા મૂળ કચ્છના માંડવીના વતની છે, તેમના દાદા સુબોધભાઇ અંજારિયા અને પિતા વિપીનભાઇ અંજારિયા પણ માંડવી કોર્ટમાં સિનિયર એડવોકેટ હતા.