196 નર, 330 માદા, 140 પાઠડા તથા 225 બચ્ચા નોંધાયા
એશિયાઈ સિંહોની વસ્તી ધરાવતા એકમાત્ર ગીર અભ્યારણ તથા આસપાસના ભાગોમાં સાવજોની સંખ્યા 891 પર પહોંચી છે. પાંચ વર્ષમાં વસતીમાં 217નો વધારો થયો છે. સરકાર દ્વારા ગત 10થી13 મે સુધી હાથ ધરાયેલી વસ્તી ગણતરી બાદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે સંખ્યા જાહેર કરવામાં આવી હતી.
ત્રણ દિવસની વસતી ગણતરીમાં કુલ 891 સિંહો જોવા મળ્યા હતા તેમાં 196 નર, 330 માદા, 140 પાઠડા તથા 225 બચ્ચા નોંધાયા છે. 2020ની વસતી ગણતરીમાં સિંહોની સંખ્યા 674ની હતી તેની સરખામણીએ 217નો વધારો થયો છે.
ગીર અભ્યારણ્ય તથા સિંહોની હાજરી ધરાવતાં સૌરાષ્ટ્રનાં લગભગ તમામ ક્ષેત્રોને ગણતરી હેઠળ આવરી લેવાયા હતા. ગત 13મી મેના રોજ ત્રણ દિવસની વસ્તી ગણતરીની કવાયત થઈ હતી.
છેલ્લા એક દાયકામાં 72 ટકાનો વધારો થયો છે.2015 માં સિંહોની સંખ્યા 523 હતી. 2020 માં 674 થઈ હતી. આ વખતે તા.1 નોંધાઈ છે. છેલ્લા 15 વર્ષમાં સિંહોની વસ્તીમાં 119 ટકાનો વધારો છે.
સંસદમાં તાજેતરમાં પેશ કરાયેલા રિપોર્ટમાં એમ જણાવાયું હતું કે 2023 અને 2024 માં 228 સિંહોના મોત થયા હતા. તેમાંથી 57 ના મોત અકુદરતી રીતે હતો. પ્રાથમિક સંકેતો એવા હતા કે સિંહોએ સામ્રાજય વિસ્તારી દીધુ છે અને હવે ગીરના સંરક્ષીત ક્ષેત્ર કરતા પણ વધુ સિંહો બહારનાં ભાગોમાં વસવાટ કરે છે.
સૌરાષ્ટ્રભરમાં સિંહાલેની 16 મી વસ્તી ગણતરી દરમ્યાન સિંહોની મુવમેન્ટ પણ ચકાસવામાં આવી હતી તેમાં 60 ટકા સિંહો આરક્ષિત વિસ્તારની બહાર વસવાટ કરતા હોવાનું માલુમ પડયુ હતું. અગાઉ ગીર, મીતીયાળા, ગીરનાર તથા પાનિયા અભ્યારણ્યમાં 614 માંથી 380 સિંહોનો વસવાટ હતો આરક્ષિત વિસ્તારોમાં સિંહોની સંખ્યા 430 આસપાસ અને બહારના ભાગોમાં તેનાંથી વધુ હોવાનો અંદાજ છે.
આ ગણતરી વસતી ગણતરીમાં ભાવનગરની ટીમને એક સાથે 20 સિંહોનું ટોળુ પણ નજરે ચડયુ હતું. તેના આધારે તેઓએ સામ્રાજય વિસ્તારી દીધુ હોવાનું સાબીત થયુ હતું. આ સિવાય મીતીયાળા અભ્યારણમાં એક સાથે 17 સાવજ દેખાયા હતા. એક સાથે 10-12 સિહો તો અનેક સ્થળે માલુમ પડયા હતા.
આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઈન ઇન્ડિયાના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવ્યા હતા.
આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવી હતી.
સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે. જેથી સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળે છે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો.