દેશના મહત્વપૂર્ણ અને આર્થિક પાટનગર ધરખમ રાજય એવા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મહાયુતિનો મહાવિજય થયાનો પડઘો શેરબજારમાં પડયો હોય તેમ આજે ઉઘડતામાં જ 1300 પોઈન્ટની જોરદાર તેજી થઈ હતી. ઈન્વેસ્ટરોની સંપતિમાં ચાર લાખ કરોડથી અધિકનો વધારો થયો હતો.સેન્સેકસ 80.000 તથા નીફટી 24000 ને પાર થયા હતા.
શેરબજારમાં આજે શરૂઆત ગેપ-અપ હતી. હેવીવેઈટથી માંડીને મીડકેપ-સ્મોલકેપ સહીત તમામ શેરોમાં સાર્વત્રિક લેવાલીથી ઉછાળો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મોરચાના વિજયથી મોદી સરકાર વધુ મજબુત બનશે. રાજકીય તાકાત વધશે અને વિકાસનો એજન્ડા જોરશોરથી આગળ વધશે તેવા આશાવાદની સારી અસર હતી.વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી ચાલૂ હોવા છતાં તે ધીમી પડી રહ્યાના સંકેતોથી રાહત હતી.
યુદ્ધ-ભૌગોલીક ટેન્શનથી સાવચેતી હતી છતાં તે કારણને ડીસ્કાઉન્ટ કરવામાં આવ્યું હતું. સંસદના સત્રમાં વિમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણની છુટ જેવા વિધેયકને મંજુરી મળવાના સંકેતોની પોઝીટીવ અસર હતી. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે છેલ્લા દોઢ-બે મહિનાની મંદીને કારણે માર્કેટનું માનસ ખરડાયું હતું.
પરંતુ ચૂંટણી પરીણામો રાજકીય કારણથી છેલ્લા બે દિવસની તેજીએ માર્કેટની ફરી બુસ્ટરડોઝ આપી દીધુ છે અને માનસ તેજીનું બની ગયુ છે.યુદ્ધ મોરચે કે અન્ય કોઈ ગંભીર નેગેટીવ કારણો ઉભા ન થવાના સંજોગોમાં ફરી તેજીનો ટ્રેન્ડ પકડાઈ જવાની શકયતાનો ઈન્કાર થઈ શકતો નથી.
શેરબજારમાં આજે ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસ બેંક, કોટક બેંક, લાર્સન, મહિન્દ્રા, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, બજાજ ફાઈનાન્સ, એકસીસ બેંક, ભારતી ઈલેકટ્રોનિકસ, શ્રીરામ ફાયનાન્સ, ભારત પેટ્રોલીયમ, જેવા શેરો ઉછળ્યા હતા. જેએસડબલ્યુ સ્ટીલ, ઈન્ફોસીસ જેવા અમુક નબળા હતા.
મુંબઈ શેરબજારના સેન્સીટીવ ઈન્ડેકસમાં 1300 પોઈન્ટથી અધિકનો ઉછાળો હતો 1307 પોઈન્ટના ઉછાળાથી 80424 સાંપડયો હતો જે ઉંચામાં 80447 તથા નીચામાં 81056 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 409 પોઈન્ટના ઉછાળાથી 24316 હતો તે ઉંચામાં 24323 તથા નીચામાં 24212 હતો.
બીએસઈમાં માર્કેટ કેપીટલાઈઝેશન 440.91 લાખ કરોડ થયુ હતું. 3351 શેરોમાં ટ્રેડીંગ હતું. તેમાંથી 2803 માં સુધારો હતો. 103 શેરો વર્ષની નીચી ઉંચાઈએ પહોંચ્યા હતા 191 માં તેજીની સર્કીટ હતી.