મુંબઈ શેરબજારમાં ઉથલપાથલના માહોલ વચ્ચે આજે જોરદાર તેજી થઈ હતી અને સેન્સેકસમાં 1300 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થયા બાદ એકાએક વેચવાલીનો મારો આવતા માર્કેટ રેડઝોનમાં સરકી ગયુ હતું અને બપોર સુધી બેતરફી વધઘટ સૂચવવા લાગ્યુ હતું.
પરંતુ અંતિમ કલાકોમાં એકાએક ઓલરાઉન્ડ લેવાલી નીકળતા તોફાની તેજી જોવા મળી હતી. તમામ શેરો એકધારા ઉછળવા લાગ્યા હતા. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડડીલમાં મડાગાંઠ ઉકેલાઈ જવાની અને ઝીરો ટકા ટેરીફનો માર્ગ અપનાવવાના સંકેતો આવતા માર્કેટમાં જોરદાર અસર થઈ હતી અને સડસડાટ કરતુ તેજીના માર્ગે દોડવા લાગ્યુ હતું.
આ સિવાય વિદેશી નાણા સંસ્થાઓની લેવાલી ચોમાસાને વહેલુ આગમન વ્યાજદર ઘટવાના સંકેત, અમેરિકા ચીન વચ્ચે ટ્રેડડીલ, રશિયા-યુક્રેન વચ્ચે શાંતિમંત્રણા જેવા કારણોએ પણ તેજીમાં મોટો ભાગ ભજવ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે એક પછી એક પોઝીટીવ કારણોને પગલે તેજીના ઝોનમાં આવવા લાગ્યુ છે.
શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ઉછાળો હતો. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રિલાયન્સ તથા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, અદાણી પોર્ટ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, હીરોમોટો, જેએસડબલ્યુ સ્ટીલ, ટ્રેન્ટ વગેરેમાં ઉછાળો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1183 પોઈન્ટના ઉછાળાથી 82516 હતો જે ઉંચામાં 82718 અને નીચામાં 80762 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 392 પોઈન્ટ ઉંચકાઈને 25059 હતો જે ઉંચામાં 25116 તથા નીચામાં 24494 હતો.