સેબીના વડા માધવી પુરી બૂચનો નિર્દેશ : IPO નાં એલોટમેન્ટથી લિસ્ટીંગ દરમ્યાનના ત્રણ દિવસ કારોબાર થઈ શકે તે માટેની સુવિધા શરૂ કરવા સ્ટોક એકસચેંજ સાથે વાટાઘાટો : ગ્રે માર્કેટમાં ગરબડ રોકવાનો હેતુ હોવાની ચોખવટ
મુંબઈ
શેરબજારમાં કેટલાંક વખતથી ઉથલપાથલનો દોર હોવા છતા પ્રાયમરી માર્કેટ પુરપાટ દોડી રહ્યું છે. માર્કેટ નિયમનકાર સેબી દ્વારા હવે મહત્વપૂર્ણ નીતિવિષયક બદલાવની વિચારણા શરૂ કરવામાં આવી છે જે અર્થાત આઈપીઓનાં લિસ્ટીંગ પુર્વે જ તેમાં સોદા-ટ્રેડીંગની મંજુરી આપવામાં આવશે. ગ્રે માર્કેટને કાયદેસર બનાવવાની દિશામાં કદમ હોવાનું મનાય છે.
સેબીના ચેરપર્સન માધવીપુરી બુચે જણાવ્યું હતું કે, ગ્રે માર્કેટમાં થતી ગરબડને રોકવા માટે આઈપીઓનાં લિસ્ટીંગ પૂર્વે જ ટ્રેડીંગની છુટ્ટ આપવાની વિચારણા છે.આ માટે ખાસ સીસ્ટમ વિકસાવવામાં આવશે.જેમાં આઈપીઓનાં લિસ્ટીંગ પુર્વે જ ઈન્વેસ્ટરો શેર વેચી શકે તેવી વ્યવસ્થા હશે.
શેરબજારમાં ઉથલપાથલનો દોર હોવા છતાં પ્રાયમરી માર્કેટ પુરપાટ દોડી રહ્યું છે.તમામ આઈપીઓમાં અઢળક નાણા ઠલવાય છે. નિયત રકમ કરતાં કંપનીઓનાં અનેકગણા નાણાં મળે છે.
મોટાભાગની કંપનીઓના શેરોનું લિસ્ટીંગ પ્રિમીયમથી થાય છે. લિસ્ટીંગ સાથે જ કમાણી થઈ જતી હોવાના કારણોસર નાનામોટા ઈન્વેસ્ટરોમાં આઈપીઓનું જબરૂ આકર્ષણ છે.મહત્વની વાત એ છે કે ઘણા કિસ્સામાં 15000 રૂપિયાની નાની અરજીને બદલે બે લાખ રૂપિયાની મોટી અરજીની સંખ્યા વધુ હોય છે તેના પરથી જ ઈન્વેસ્ટરોનો ક્રેઝ સાબીત થઈ જાય છે.
ગ્રે માર્કેટને કાયદેસરતા નથી છતા આઈપીઓ ખુલતા પુર્વે જ તેના ભાવ બોલાવા લાગે છે અને તેમાં સોદા પણ થાય છે. કેટલીક કંપનીઓમાં તો અરજીના સોદા પણ થાય છે. જેમાં અરજી કરનાર ઈન્વેસ્ટરોને અરજી પણ વેંચીને નિશ્ચિત રકમ મેળવી લેતા હોય છે.
શેર લાગે તો અરજી ખરીદનાર બ્રોકરને આપી દેવાના હોય છે. સેબીના ચેરપર્સને કહ્યું કે બે સ્ટોક એકસચેંજ સાથે When Listd સુવિધા શરૂ કરવાની વાટાઘાટો શરૂ કરવામાં આવી છે જેમાં આઈપીઓનાં એલોટમેન્ટ તથા લિસ્ટીંગ વચ્ચેનાં ત્રણ દિવસના સમયગાળામાં ટ્રેડીંગ થઈ શકશે.
સેબી પ્રમુખે એવી ચેતવણી આપી હતી કે, કેટલીક કંપનીઓના મેનેજમેન્ટ આઈપીઓમાંથી ઉઘરાવેલા નાણાનો ગેરઉપયોગ કરી રહ્યા છે.આથી કંપનીઓને પ્રાયમરી માર્કેટમાં દાખલ થતી રોકવા તથા પ્રોત્સાહન નહીં આપવા ઈન્વેસ્ટમેન્ટ બેંકરોને અપીલ છે.
આ સિવાય સેબી દ્વારા ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં યુનિટનાં રીડમ્પશન માટે નેટ એસેટ વેલ્યુ નકકી કરવાનો સમય બદલવાની પણ દરખાસ્ત કરી છે આ સમય વર્તમાન બપોરે 3 વાગ્યાને બદલે સાંજે સાત વાગ્યાનો કરવાની દરખાસ્ત છે.