
ક્યીવ: ડોનાલ્ડ ટ્રમ્પે સહેજે શેહશરમ વિના યુક્રેન પાસેથી યુદ્ધમાં કરેલ સહાયના અવેજમાં તેનાં ખનીજ ભંડારો માંગ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે અત્યાર સુધી મહાસત્તાઓ આવાં કુદરતી ભંડારોના દોહનની લાલચ સિવાય કોઇ નાનાં દેશને સહાય કરતી નથી. છતાંય આવો ખેલ અરસપરસની સમજૂતી કે કરારો, વિકાસ માટે ટેકનોલોજી અને સંસાધનો પૂરાં પાડવા વિગેરે ઓઠાઓ હેઠળ ચાલતો રહ્યો છે. પરંતુ, ટ્રમ્પે લાજશરમ નેવે મૂકી સીધું જ કહ્યું કે, અમે યુદ્ધ દરમ્યાન તમને હથિયાર આપ્યા, તો તમે હવે અમને તમારા ત્યાંથી ખનીજો કાઢવા દો. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેનસ્કીએ યુ.એસ.ની માંગણી સ્વીકારી લીધી છે.
નોંધવું રહ્યું કે યુક્રેન પાસે ગ્રેફાઇટ, લીથિયમ, ટાઇટેનિયમ, ઝરકોનિયમ જેવી દુર્લભ ખનીજોના વિપુલ ભંડારો હોવાનું માનવામાં આવે છે. આ દુર્લભ ખનીજો આધુનિક ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ તેમજ રિચાર્જીંગ બેટરી, પાવર-સ્ટોરેજના ઉપકરણો બનાવવા ઉપયોગમાં લેવાય છે. ટ્રમ્પના મુખ્ય સમર્થક અને હાલની સરકારની કામગીરીની દેખરેખ રાખતાં મંત્રાલયના વડા ઇલોન મસ્ક ઇલેક્ટ્રીક વાહનો અને અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા છે અને તેમને આ યુક્રેનના દુર્લભ ખનીજોના ભંડારો ગમે તેમ કરી મેળવવા છે. કહેવાય છે કે યુક્રેનના આ ખનીજ ભંડારો માટે જ રશિયા એ તેનાં પર આક્રમણ કર્યું છે. હવે, યુ.એસ. અને યુક્રેન વચ્ચે થનાર સમજૂતી મુજબ આ ખનીજપ્રદેશોનું ખનન યુ.એસ. કરશે. આ ઘટનાક્રમને અમેરિકાની મોટી સફળતા નહિ, પરંતુ ‘મોટાં છટકાં’ તરીકે નિષ્ણાંતો જોઇ રહ્યા છે. તેવું માનવાના બે કારણો છે.
(૧) યુક્રેનના ડોનેસ્ક, લુહાન્સ જેવાં પ્રદેશો આવાં દુર્લભ ખનીજોથી સંપન્ન વિસ્તારો છે. પરંતુ હાલ આ વિસ્તારો રશિયાના અંકુશ હેઠળ છે. (૨) આ ખનીજ ભંડારોની ઓળખ અગાઉના સોવિયેટ સંઘે કરી હતી. સોવિયેટ સંઘના દાવાઓ મોટેભાગે અતિશ્યોક્તિપૂર્ણ સાબિત થતાં રહ્યા છે.
રશિયાના કહ્યા પ્રમાણે હાલના યુદ્ધનું ‘મૂળ કારણ’ એ છે કે, યુક્રેન નાટો (NATO) સાથે જોડાવા જઇ રહ્યું હતું. નાટો સાથે જોડાઇને તે નાટોના માર્ગે યુ.એસ.ને રશિયાની સરહદ પર લાવીને ઊભું કરી રહ્યું હતું. હવે જો યુ.એસ. યુક્રેનના આ સરહદી વિસ્તારોમાં ખનન કામ શરૂ કરે, તો સ્વાભાવિકપણે તે ત્યાં (પોતાના હિતોના રક્ષણ માટે) પોતાની સેના પણ ગોઠવે. બીજું કે, હાલ આમાંથી ઘણાંખરા પ્રદેશો રશિયાના અંકુશ હેઠળ છે. તો શું રશિયા તે પ્રદેશો યુક્રેનને પાછાં આપશે? ગમે તે થાય, આ ખનન માટે યુ.એસ.નું રશિયા સાથે સીધું ઘર્ષણમાં ઉતરવાનું નક્કી. આમ, ઝેલેનસ્કીએ અમેરિકાની માંગણીઓ ચૂપચાપ માની લઇને સત્તાના નશામાં ચૂર – પુટીન અને ટ્રમ્પ – બે બળિયાઓને સામસામે ભીડાવવાનો તખ્તો ગોઠવી દીધો છે.