શિકાગોમાં એક ગુજરાતી યુવકને શૂટ કરી દેવાયો હોવાની એક ચોંકાવનારી ઘટના બની છે. મૃતકનું નામ કેવિન પટેલ હોવાનું જાણવા મળ્યું છે. શિકાગો પોલીસના જણાવ્યા અનુસાર લિંકન પાર્કના વેસ્ટ લિલ એવેન્યૂમાં કેવિનને ગોળી મારવામાં આવી હતી.
મૃતકના મિત્રોએ જણાવ્યું હતું કે, તે ફિલાડેલ્ફિયાનો હતો પરંતુ શિકાગોમાં રહેતો હતો તેમજ જોબ કરતો હતો. કેવિનને ગોળી મારવામાં આવી ત્યારે તે પોતાના ઘરથી થોડે જ દૂર હતો, આ ઘટનાથી સમગ્ર એરિયામાં ડરનો માહોલ છવાઈ ગયો છે.
કેવિન ફુટપાથ પર ચાલતો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે જ તેને ગોળી મારવામાં આવી હતી, પોલીસના જણાવ્યા અનુસાર કેવિનને છાતીમાં ગોળી વાગી હતી. તેને ઈલિનોય માસોનિક મેડિકલ સેન્ટરમાં ટ્રીટમેન્ટ માટે લઈ જવાયો હતો.
કેવિનની મદદે દોડી ગયેલા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર તેને છાતીમાં ગોળી મારવામાં આવ્યા બાદ લોહી વહેતું અટકવવા માટે પોતે ટોવેલ લેવા માટે દોડી ગયો હતો.
આ દરમિયાન પોલીસ ક્રાઈમ સીન પર પહોંચી હતી અને કેવિનને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યો હતો. ગોળી વાગ્યા બાદ કેવિનના શ્વાસ ચાલી રહ્યા હતા, તે ભાનમાં રહે તે માટે પણ આસપાસના લોકોએ ખૂબ જ પ્રયાસ કર્યા હતા અને તે બચી જાય તેવી પણ શક્યતા હતી. તેનું જેકેટ કાઢી નાખવામાં આવ્યું હતું અને તેને ઉંડા શ્વાસ લેવા માટે કહેવાયું હતું અને તે રિસ્પોન્સ પણ આપી રહ્યો હતો.
કેવિનને એમ્બ્યુલન્સમાં લઈ જવાયો ત્યાં સુધી તે જીવીત અને ભાનમાં હતો પરંતુ હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.
જે સમયે અને જે સંજોગોમાં કેવિન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને જોતા રોબરીના ઈરાદે તેની હત્યા થઈ હોવાની પણ પૂરી શક્યતા છે.
પરંતુ પોલીસ હજુ સુધી આ અંગે કશુંય બોલવા તૈયાર નથી તેમજ કેવિન પર અટેક કરનારા લોકો કોણ હતા તેની પણ કોઈ માહિતી પોલીસને નથી મળી.