ઓપરેશન સિંદુરના પગલે મોદી સરકારે જે રીતે હવે વિદેશમાં પ્રતિનિધિ મંડળ મોકલીને પાકિસ્તાનને ખુલ્લુ પાડવાની વ્યુહરચના ઘડી છે તેમાં પ્રતિનિધિ મંડળના વડા તરીકે શશી થરૂરની પસંદગી કરી ભાજપે કોંગ્રેસને મોટો આંચકો આપ્યો છે એટલું જ નહીં કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે સરકારે ચીટીંગ કર્યો હોવાનો આરોપ મુકયો હતો. રમેશે જણાવ્યું હતું કે અમારી પાસે પ્રતિનિધ મંડળ માટે ચાર સભ્યોના નામ માંગ્યા હતા પરંતુ તેમાંથી કોઇની પસંદગી કર્યા વગર શશી થરૂરને પસંદ કર્યા છે.
આમ સરકારે અમારી પાસે નામ માંગવામાં પક્ષને અપમાનીત કરવા સિવાય કોઇ હેતુ ન હોવાનો આરોપ મુકયો હતો. રમેશે કહ્યું કે અમે મોકલેલ નામોમાંથી કોઇની પસંદગી થશે તેવી શકયતા હતી પરંતુ જયારે સતાવાર પ્રેસ યાદી બહાર આવી તો તેમાં અમારા ચારમાંથી એક પણ નામ પસંદ કરવામાં આવ્યું નથી. તેઓએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી કિરણ રીજજૂએ આ અંગે રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી અને તે બાદ આનંદ શર્મા, ગૌરવ ગોગોઇ, રાજા બ્રાર અને નશીર હુસેનના નામ અમે મોકલ્યા હતા અને તેને બદલે તેઓએ શશી થરૂર પર પસંદગી ઉતારી તે પણ આશ્ચર્ય છે બીજી તરફ ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને રાષ્ટ્રવાદની વાત કરનાર પર શા માટે આટલી બધી સુગ છે તે ખ્યાલ આવતો નથી. શશી થરૂરે હંમેશા વિશ્વ સ્તરે ભારતનો પક્ષ રાખ્યો છે અને તેઓ વિદેશી બાબતોના નિષ્ણાંત છે અને તેથી જ સરકારે કોંગ્રેસના સાંસદને પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરવા જણાવ્યું હતું. કોંગ્રેસને તેમાં વાંધો એ દર્શાવે છે કે તે હંમેશા રાષ્ટ્રવાદનો વિરોધ કરે છે.