સસ્મિત તસ્વીરે રસ્તામાં પણ અનેક લોકોના આંસુ છલકાવ્યા :કાનગડ પરિવારે 24 કલાક સુધી શબવાહિની શણગારી :
રાજકોટના કેકેકે ફલાવરવાળા કાળુભાઇ ફુલવાળા, હિમાંશુ કાનગડ, હાર્દિક કાનગડ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષોથી રૂપાણી પરિવાર સાથે પારિવારિક નાતો ધરાવતા કાનગડ પરિવારે ભારે હૈયે આ જવાબદારી નિભાવી છે.
વિજયભાઇની પસંદના મનપસંદ ફુલોનો ઉપયોગ આ શબવાહિની શણગારવામાં કરવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીની અંતિમ સફર માટે ઉટી સહિતના શહેરોમાંથી પુષ્પો મંગાવાયા છે. ગઇકાલથી આ કામ શરૂ કરાયું હતું અને સતત ર4 કલાક સુધી આ શણગાર વાહનની અંદર અને બહાર કરવામાં આવ્યો છે.
કાનગડ પરિવારે કહ્યું હતું કે વિજયભાઇ રૂપાણીનું જીવન ફુલોની જેમ સેવાની સુગંધથી કાયમ મહેંકતું રહ્યું હતું. તેમણે કાયમ માટે આ સુવાસ ફેલાવી છે. અંતિમ સફર વાહન શણગારવાની જવાબદારી મળતા તેમાં પણ શ્રધ્ધાંજલી અર્પણ કરવા પ્રયાસ કર્યો છે.
આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ રાજકોટમાં થઇ રહી છે. આ અંતિમ યાત્રા સાંજે 5 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નિકળશે.
જે રામનાથપરા સ્મશાન ખાતે જશે જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. સમગ્ર રૂટ પર હજારો લોકો તેમના પ્રિયજન નાયકને ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરશે અને વિદાય આપશે.
આ સાથે તેમની અંતિમ સફર માટેની શબવાહિનીને પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો છે. વિજયભાઈ રૂપાણી હમેશા તેમના સ્મિત માટે જાણીતા હતા. હસતા મોઢે લોકોના કાર્યો કરતા આવ્યા છે, ત્યારે તેમની અંતિમ વિધિ માટે પણ તેમનો સ્મિત સાથનો ફોટો મૂકવામાં આવ્યો છે.
સમગ્ર તૈયારી કેકેકે ફલાવર દ્વારા કરવામાં આવી છે. કાળુભાઇ કાનગડ પરિવાર અને વિજયભાઈ રૂપાણીના વર્ષો જૂના સંબંધ આ દુ:ખદ પ્રસંગે પણ સૌએ નિહાળ્યા છે.