અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાતી મૂળના કશ્યપ કાશ પટેલને તપાસ એજન્સી ‘ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના આગામી ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ટ્રમ્પે શનિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આની જાહેરાત કરી હતી.
આ પોસ્ટમાં ટ્રમ્પે કાશ પટેલના ભૂતકાળના કામની પણ પ્રશંસા કરી હતી. આ પહેલાં કાશ પટેલે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન સંરક્ષણ મંત્રાલયમાં ચીફ ઓફ સ્ટાફ, નેશનલ ઈન્ટેલિજન્સ ડેપ્યુટી ડાયરેક્ટર અને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં આતંકવાદ વિરોધી કાર્યક્રમોના સિનિયર ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે મને ગર્વ છે કે કશ્યપ કશ પટેલ FBIના આગામી ડિરેક્ટર તરીકે કામ કરશે. કાશ એક તેજસ્વી વકીલ અને ઇન્વેસ્ટિગેટર છે. કાશ પટેલનાં વખાણ કરતા ટ્રમ્પે તેમને ‘અમેરિકા ફર્સ્ટ’ ફાઇટર કહ્યા. ટ્રમ્પે કહ્યું કે કાશ પટેલે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા, ન્યાય અને અમેરિકન લોકોની રક્ષા કરવામાં ખર્ચી છે.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં વધતા ક્રાઈમ રેટ, ગુનાહિત ગેંગ અને સરહદ પર થઈ રહેલા માનવ અને ડ્રગ્સ સ્મગ્લિંગ જેવા ગુનાઓ સાથે કામ કરવા માટે કાશ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે.
2020માં સીરિયાની રાજધાની દમાસ્કસમાં અમેરિકા દ્વારા એક ગુપ્ત મિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ કાશ પટેલે કર્યું હતું. સીરિયા દ્વારા ધરપકડ પામેલા સાયકોથેરેપિસ્ટ મજદ કમલમાઝ અને પત્રકાર ઓસ્ટિન ટાઈસની મુક્તિ માટે એ મિશન યોજવામાં આવ્યું હતું.
ગુજરાતી પરિવારમાં જન્મેલા માતા-પિતા યુગાન્ડાથી ભાગી ગયા હતા
કાશ પટેલનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો. 44 વર્ષના કાશ પટેલનો જન્મ 25 ફેબ્રુઆરી, 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના મૂળિયાં ગુજરાતના વડોદરા શહેરમાં છે. યુગાન્ડાના શાસક ઈદી અમીનના દેશ છોડવાના આદેશથી ડરીને કાશ પટેલનાં માતા-પિતા 1970ના દાયકામાં કેનેડા થઈને અમેરિકા ભાગી ગયાં હતાં. કાશ પટેલના પિતાને 1988માં અમેરિકન નાગરિકતા મળ્યા બાદ તેમને એક વિમાન કંપનીમાં નોકરી મળી.
કાશ પટેલે ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીની લૉ સ્કૂલમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે. 2004માં કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, જ્યારે કાશ પટેલને મોટી કાયદાકીય પેઢીમાં નોકરી ન મળી, ત્યારે તેમણે સરકારી વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. માયામીનાં ન્યાયાલયોમાં તેમણે લગભગ 9 વર્ષ કામ કર્યું હતું. એ સમયગાળામાં તેમણે હત્યા, નશીલા પદાર્થોની ફેરાફેરી અને નાણાકીય ગુનાઓ સહિતના જટિલ કેસો ઉકેલ્યા હતા.
2013માં તેમને ‘ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ’માં ટ્રાયલ એટર્ની તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યાં તેમણે અલ-કાયદા અને ISIS જેવા આતંકવાદી જૂથો સાથે સંકળાયેલ વ્યક્તિઓની તપાસ કરવાનું કામ કર્યું હતું. 2017માં તેમને ‘હાઉસ ઇન્ટેલિજન્સ કમિટી’ ખાતે આતંકવાદ વિરોધી વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.
v