સિડનીઃઅત્યંત ખરાબ ફોર્મથી ઝઝુમતા અને ઓસ્ટ્રેલીયા સામેના વર્તમાન પાંચમા ટેસ્ટમાંથી બહાર થઈ ગયેલા ભારતીય ક્રિકેટ ટીમનાં કપ્તાન રોહીત શર્માએ નિવૃતીની વાત ફગાવી દીધી છે. પોતે કયાંય નથી નિવૃતિ લેવાનો નથી. ફોર્મ ખરાબ છે અને રન બનાવી શકતો ન હોવાથી સ્વેચ્છાએ અંતિમ ટેસ્ટમાં રમ્યો ન હોવાનું જાહેર કર્યું હતું.
ઓસ્ટ્રેલીયા સામેની વર્તમાન શ્રેણીના અંતિમ ટેસ્ટમાં ટીમમાં સમાવેશ ન થતાં રોહિત શર્માની હકાલપટ્ટી થવાની અને હવે નિવૃતિ લઈ લેશે તેવી ચર્ચાએ જોર પકડયુ હતું. ક્રિકેટ પ્રસંશકો તો ઠીક, સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે પણ હવે રોહીત ટેસ્ટ મેચ રમતો જોવા નહિં મળે અને મેલબોર્ન ટેસ્ટ તેનો છેલ્લો બની રહેવાનું અનુમાન વ્યકત કરી દીધુ હતું.
નિવૃતિની અટકળો વચ્ચે રોહીત શર્માએ આજે એક ઈન્ટરવ્યુમાં મહત્વની ચોખવટ કરી દીધી હતી તેણે કહ્યું કે, હાલ તે નિવૃતિ લેવાનો નથી. ખરાબ ફોર્મનાં કારણે જ સિડની ટેસ્ટમાં સામેલ થયો નથી. નિવૃતિ લેવાનો કોઈ વિચાર નથી.
રોહીત શર્માએ કહ્યું કે, નિવૃતિ લેવી હોવાથી સીડની ટેસ્ટ ન રમતો હોવાની વાત ખોટી છે. હું પીછેહઠ કરવાવાળામાં નથી. પાંચ-છ મહિને પરિસ્થિતિ બદલાતી હોય છે. મીનીટે મીનીટ હાલત ફરતી હોય છે. અત્યારે રન ન બનતા હોય તો એવુ નથી કે ભવિષ્યમાં પણ રન નહિં બને. માઈક પર બોલવાવાળા કે પેનપેપર પર સરવાળા બાદબાકી કરનારા લોકો મારી કારકીર્દી નકકી ન કરી શકે. મારે કયાં સુધી રમવુ કે કયાં સુધી ટીમનું નેતૃત્વ કરવુ તેનો નિર્ણય કરવાનું કામ તે લોકોનું નથી.
ભારતીય કેપ્ટને કહ્યું કે, પોતે એકદમ પરિપકવ છે.બે બાળકોનો બાપ છે. મારે શું જરૂર છે અને હું શું કરી શકું છું તેની મને ખબર પડે છે. સૌ પ્રથમ 2007 માં પહેલીવાર ડ્રેસીંગ રૂમમાં આવ્યો ત્યારથી મગજમાં ટીમને જીતાડવાનું એકમાત્ર લક્ષ્ય રહ્યું છે છતા કયારેક ટીમ માટે નિર્ણય લેવા પડતા હોય છે અને હું આવુ જ ક્રિકેટ રમ્યો છું.
રોહીત શર્માએ સ્પષ્ટ કર્યું કે, સિડની ટેસ્ટમાંથી ખસી જવાનો નિર્ણય મારો પોતાનો હતો અને તે વિશે હેડકોચ ગૌતમ ગંભીર તથા મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને જાણ કરી જ હતી.
તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, પોતે કયાંય જવાનો નથી. ટેસ્ટમાંથી બહાર થવાનો નિર્ણય મુશ્કેલ હતો. કારણ કે પોતે બેંચ પર બેસવા તો ઓસ્ટ્રેલીયા આવ્યો ન હતો ટીમને જીતાડવાનો જ ટારગેટ રાખુ છું.