મુંબઈ: 38 વર્ષના રોહિત શર્માએ 11 વર્ષની ટેસ્ટ કારકિર્દીને ગુડબાય કરી દીધી છે. તેણે ટેસ્ટમાંથી તાત્કાલિક અમલમાં આવે એ રીતે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. આવતા મહિને ઇંગ્લેન્ડમાં રમાનારી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પહેલાં રાષ્ટ્રીય પસંદગીકારો રોહિતના હાથમાંથી ટેસ્ટની કેપ્ટન્સી પાછી લઈ લેવાની તૈયારીમાં છે એવો અહેવાલ થોડા કલાકથી વાઇરલ થયો હતો અને ત્યાર બાદ સાંજે અચાનક જ રોહિતે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હોવાની જાહેરાત થઈ હતી.
અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્શન કમિટી ઇંગ્લેન્ડની ટૂર માટેની ટેસ્ટ ટીમની જવાબદારી રોહિતને બદલે બીજા કોઈ ખેલાડીને સોંપશે અને બીસીસીઆઇ સિલેક્ટરોના નિર્ણયને સ્વીકારી લેશે એવો અહેવાલ બપોરે વાઇરલ થયો હતો. આ સંજોગોમાં રોહિતે સાંજે જાહેરાત કરી હતી કે તે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ રહ્યો છે.
સુકાન માટે કયા ચાર દાવેદારોના નામ બોલાય છે?
રોહિતની નિવૃત્તિને પગલે હવે ટેસ્ટના સુકાનીપદ માટેના ચાર દાવેદારમાં જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને રિષભ પંતનો સમાવેશ છે.
રોહિતની કેપ્ટન્સીમાં ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું હતું. તેણે નિવૃત્તિની જાહેરાતમાં કહ્યું, ‘હેલો એવરીવન, હું તમને વાકેફ કરવા માગું છું કે હું ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લઈ રહ્યો છું. ટેસ્ટના સફેદ યુનિફોર્મમાં દેશ વતી મને રમવા મળ્યું એ બદલ ગર્વ અનુભવું છું. આટલાં વર્ષો દરમ્યાન તમે બધાએ મને જે પ્રેમ અને સ્નેહ આપ્યો એ બદલ તમારા સૌનો આભાર. હું વન-ડેમાં રમતો રહીશ.’
ગંભીર સાથે ખટરાગ હતો?
રોહિત અને હેડ-કોચ ગૌતમ ગંભીર વચ્ચેના સંબંધો સારા ન હોવાની અટકળો હતી. ગંભીરે ગયા વર્ષે જુલાઈમાં હોદ્દો ગ્રહણ કરતી વખતે જાહેર કર્યું હતું કે, તે ભારતીય ક્રિકેટમાંથી ‘સ્ટાર કલ્ચર’ દૂર કરશે અને માત્ર પર્ફોર્મન્સને આધારે જ ખેલાડીને ટીમમાં સ્થાન અપાવશે.
રોહિતનો જન્મ નાગપુરમાં થયો હતો, પણ તે બાળપણથી મુંબઈમાં રહ્યો, મુંબઈમાં ઉછર્યો અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી જ રમ્યો હતો. રાઇટ-હેન્ડ બેટ્સમેન રોહિતે જૂન, 2007માં પ્રથમ વન-ડે રમીને ભારત વતી આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી અને ત્યાર બાદ છ વર્ષે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
તે નવેમ્બર, 2013માં ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામે કરીઅરની પહેલી ટેસ્ટ રમ્યો હતો. એ મેચના પહેલા જ દાવમાં (ટેસ્ટ કારકિર્દીની પહેલી જ ઇનિંગ્સમાં) 177 રન કરીને ટેસ્ટમાં ધમાકેદાર આગમન કર્યું હતું. ભારતે એ મેચ એક દાવથી જીતી લીધી હતી અને રોહિતે એ ડેબ્યૂ ટેસ્ટમાં મેન ઑફ ધ મેચનો પુરસ્કાર જીતી લીધો હતો.
રોહિતના ટેસ્ટ – પર્ફોર્મન્સ પર એક નજર…
(1) રોહિત 2024 સુધીમાં કુલ 67 ટેસ્ટ રમ્યો હતો જેમાં તેણે કુલ 7,538 બોલનો સામનો કરીને 4,301 રન કર્યા હતા.
(2) તેણે 67 ટેસ્ટમાં 12 સેન્ચુરી અને 18 હાફ સેન્ચુરી ફટકારી હતી. તેની સૌથી વધુ (ચાર સેન્ચુરી) ઇંગ્લેન્ડ સામે હતી.
(3) તેણે એક ડબલ સેન્ચુરી (2019માં રાંચીમાં સાઉથ આફ્રિકા સામે) ફટકારી હતી.
(4) ટેસ્ટમાં 40.57 તેની બેટિંગ-ઍવરેજ હતી.
(5) તેણે 67 ટેસ્ટના 116 દાવમાં 88 સિક્સર અને 473 ફોર ફટકારી હતી.
(6) તેણે ટેસ્ટ મેચોમાં કુલ 68 કેચ પકડયા હતા.
(7) ઑફ-સ્પિનર રોહિતે ટેસ્ટમાં કુલ બે વિકેટ પણ લીધી હતી.
(8) 10 વાર તે ટેસ્ટ ક્રિકેટમાં નોટઆઉટ રહ્યો હતો.
(9) રોહિતે ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. એમાં તેણે કુલ 4,231 રન કર્યા હતા. હવે તે માત્ર વન-ડેમાં અને આઇપીએલમાં જ રમતો જોવા મળશે.
(10) વન-ડે ક્રિકેટ રોહિતની મુખ્ય ફોર્મેટ છે જેમાં તેણે રમવાનું ચાલુ રાખ્યું છે અને હાઇએસ્ટ 264 રનના વિશ્વવિક્રમ ઉપરાંત સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો વિક્રમ પણ તે ધરાવે છે અને કુલ 273 વન-ડેમાં તેણે 11,168 રન કર્યા છે જેમાં તેની 32 સેન્ચુરી અને 58 હાફ સેન્ચુરી છે.