સબ – રજીસ્ટ્રારોએ મિલ્તક દસ્તાવેજ તથા અદાલતોએ કાનુની વિવાદમાં રોકડ વ્યવહારો ચકાસીને આવકવેરાને જાણ કરવી પડશે
સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ આદેશમાં બે લાખથી વધુની રકમનાં રોકડ વ્યવહારોનાં કાનુની દાવા વિશે આ આવકવેરા વિભાગને જાણ કરવા નીચલી અદાલતોને સુચવ્યુ છે. આવકવેરા કાયદાની કલમ 269 એસટીના ભંગ તથા નાણાંકીય વ્યવહારોની ચકાસણી થઈ શકે તે માટે આ સુચના આપવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ જે.બી.પારડીવાલા તથા આર.મહાદેવનની બેંચે આદેશમાં કહ્યું હતું કે, સ્થાવર મિલકતનાં રજીસ્ટ્રેશન દસ્તાવેજમાં નાણાંકીય ચુકવણીમાં બે લાખથી વધુની રોકડ રકમ ચુકવાયાનું દર્શાવાયુ હોય તો સબ રજીસ્ટ્રારે આવકવેરા વિભાગને જાણ કરવી પડશે. જેથી તેના દ્વારા યોગ્ય કાનુની કાર્યવાહી થઈ શકે.
આવકવેરા કાયદાની કલમ 269 એસટી હેઠળ કોઈપણ વ્યકિત માટે રૂા.2 લાખથી વધુનો રોકડ વ્યવહારમાં પણ બે લાખથી વધુની રોકડ લેવડદેવડ થઈ શકતી નથી. બે લાખથી વધુની રોકડ સ્વીકારવા બદલ વ્યકિતને તેટલી જ રકમની પેનલ્ટીની જોગવાઈ છે.
અદાલતે એમ પણ કહ્યું કે, આવકવેરા વિભાગને સર્ચ-સર્વેની કામગીરી દરમ્યાન અથવા અન્ય સ્ત્રોત મારફત કોઈ વ્યકિતનાં સ્થાવર મિલકત વ્યવહારમાં બે લાખથી વધુની રોકડ લેવડ દેવડ થયાનું ધ્યાનમાં આવે અને તે વિશે સબ રજીસ્ટ્રાર દ્વારા માહીતી ન અપાયાનું માલુમ પડે તો તે વિશે ઈન્કમટેકસે રાજયનાં મુખ્ય સચીવનું ધ્યાન દોરવુ પડશે અને રોકડ રકમ વ્યવહારની જાણકારી નહિં આપનારા સબંધિત અધિકારી વિરૂદ્ધ મુખ્ય સચીવ ખાતાકીય કે શિસ્તભંગનાં પગલા લઈ શકશે.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, મોટાભાગે રોકડ વ્યવહારોને ધ્યાને લેવાતા નથી. અથવા ઈન્કમટેકસને જાણકારી આપવામાં આવતી નથી કાયદામાં આ પ્રકારની ભુલ સ્વીકાર્ય નથી.
બેંગ્લોર સ્થિત શૈક્ષણીક સંસ્થાનાં પ્રોપર્ટી વિવાદમાં રૂા.75 લાખ રોકડમાં ચુકવાયાની દલીલ થઈ હતી અને તેના આધારે રોકડ વ્યવહારો અદાલતનાં ધ્યાને આવ્યા હતા તેના આધારે સુપ્રિમ કોર્ટે નીચલા વિભાગો તથા અદાલતોને કોઈપણ દાવામાં બે લાખથી વધુના રોકડ વ્યવહારની વિગતો હોય તો ઈન્કમટેકસને જાણ કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રિમ કોર્ટનાં આ આદેશથી કાળા નાણા તથા કરચોરી ડામવાનાં પ્રયાસોને મહત્વનો વેગ મળી શકશે.