ભારતની ટોચની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 118 અબજ ડૉલરની નેટવર્થ સાથે રિફાઇનિંગથી માંડી રિટેલ બિઝનેસ ધરાવતી રિલાયન્સ વૈશ્વિક સ્તરે ટોચની 21મી કંપની બની છે. સાઉદી અરામ્કો 440 અબજ ડૉલરની નેટવર્થ સાથે વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમની કંપની છે. ગુગલની આલ્ફાબેટ 345 અબજ ડૉલર સાથે બીજા ક્રમે, માઇક્રોસોફ્ટ 303 અબજ ડૉલર સાથે ત્રીજા ક્રમે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ગ્લોબલ કોર્પોરેટ જાયન્ટ્સની યાદીમાં એનર્જી સેક્ટરની આઠ કંપનીઓ સામેલ થઈ છે. જે સેક્ટરમાં કમાણી થઈ રહી હોવાનો સંકેત આપે છે. કોમ્યુનિકેશન સર્વિસિઝ અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સેક્ટરની પણ પાંચ અને ચાર કંપનીઓ સામેલ છે. નોંધનીય છે, આ યાદીમાંથી ફાયનાન્સિયલ સેક્ટરની કંપનીઓ બહાર થઈ છે. કંપનીની નેટવર્થના આધારે ગ્લોબલ કોર્પોરેટ જાયટન્સમાં સ્થાન આપવામાં આવે છે. જે કંપનીની નાણાકીય તાકાત દર્શાવે છે.
રિલાયન્સ 18 લાખ કરોડની માર્કેટ કેપ સાથે દેશની ટોચની કંપની છે. મજબૂત ત્રિમાસિક પરિણામો, ડિવિડન્ડ-બોન્ડની લ્હાણીની જાહેરાતના પગલે આજે રિલાયન્સનો શેર 5 ટકા ઉછળી 1365.50 થયો હતો. જે 1.06 વાગ્યે 4.91 ટકા ઉછાળે ટ્રેડ થયો હતો. આજે તેની માર્કેટ કેપમાં 89 હજાર કરોડનો વધારો થયો છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2024-25માં 3 ટકા (રૂ. 81309 કરોડ) વધ્યો છે. ચોખ્ખી આવક 7.1 ટકા વધી રૂ. 9.6 લાખ કરોડ અને EBITDA 2 ટકા ઉછાળા સાથે 1.7 લાખ કરોડ નોંધાઈ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, નબળી મેક્રોઈકોનોમિક સ્થિતિ અને જિયો-પોલિટિકલ ક્રાઇસિસ સહિતના વૈશ્વિક પરિબળોના કારણે આ વર્ષ ખૂબ પડકારમય રહ્યું હતું. જો કે, અમારું ફોકસ ઓપરેશનલ શિસ્તતા, ગ્રાહક કેન્દ્રિત ઇનોવેશન અને ભારતના ગ્રોથની જરૂરિયાતોના આધારે કામગીરી પર રહ્યું હતું. જેના લીધે આ વર્ષે રિલાયન્સ મજબૂત સ્થિર નાણાકીય પ્રદર્શન કરી શકી છે.
કંપની બોર્ડે નાણાકીય પરિણામ જાહેર કરતાં રોકાણકારોને શેરદીઠ રૂ. 5.5 પેટે ડેવિડન્ડ ફાળવવાની જાહેરાત કરી છે. તેમજ બોન્ડ મારફત રૂ. 25000 કરોડ એકત્ર કરવાની યોજના પણ જાહેર કરી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં કંપનીનો શેર અત્યારસુધી 8 ટકા ઉછળ્યો છે.