દેશભરમાં અમલમાં આવેલા નવા કાયદા BNS હેઠળ ગુજરાત પોલીસે 10 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈવાળા કેસમાં ચાર્જશીટ સમયસર કરી હોવાનો રેશિયો 92 ટકાથી વધુ જોઈ અમિત શાહે પ્રશંસા કરી હતી. એટલું જ નહીં ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે માટે લેવાઈ રહેલાં પગલાંની માહિતી પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને અપાઈ હતી.
ગુજરાત પોલીસ BNSની અમલવારી પહેલાંના છ મહિનાથી તેના પર કામ કરવા લાગી હતી. કાયદો લાગુ થયો પછી પણ સતત અપડેટ થઈ રહ્યા છે. ગુજરાત પોલીસ એક પહેલ કરી રહી છે જેમાં ગુજરાતનાં તમામ પોલીસ સ્ટેશનમાં એક IT એક્સપર્ટ્સની નિમણૂક કરાશે. અત્યાર સુધીમાં 650ની નિમણૂક આઉટસોર્સથી કરી દેવાઈ છે. ઉપરાંત એક SDPO (સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર્સ) કે ACP ઓફિસમાં એક FSL એક્સપર્ટની નિમણૂક કરાશે. આ એક્સપર્ટ્સની પોલીસ સાથે ક્રાઈમ સીન મેનેજરની ભૂમિકા રહેશે. જેથી નવા કાયદા અનુસાર ડિજિટલ પુરાવા બને એટલા ઝડપી અને સચોટ એકઠા કરી શકાય.
પોલીસવડા વિકાસ સહાયે ઉમેર્યું હતું કે ગત વર્ષની 1 જુલાઈએ અમલમાં આવેલા BNS (ભારતીય ન્યાય સંહિતા)ના ત્રણેય કાયદાની તાલીમ ગુજરાતની 97.4 ટકા પોલીસને આપી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ એક લાખ પોલીસ મહેકમ છે જેમાં તપાસ સાથે જોડાયેલા પોલીસકર્મીઓને નવા કાયદાની ટ્રેનિંગ અપાઈ છે.
ઈ- સાક્ષ્ય એ NIC તરફથી ડેવલપ કરવામાં આવેલી એપ્લિકેશન છે. જેનાથી ક્રાઈમ સીનનું વીડિયો રેકોર્ડિંગ કરીને તેમાં તારીખ, સમય અને સ્થળ સાથે સબમિટ કરવાથી આ પંચનામું સીધું સર્વર પર આવી જશે. કોર્ટ કાર્યવાહી દરમિયાન કોર્ટ પણ તે ડિજિટલ પુરાવા તરીકે જોઈ શકશે. ઉપરાંત ઈ-સમન્સ એ આ સમય પ્રમાણે બદલાયેલું રૂપ છે, જેનાથી સમય અને મેનપાવર બન્ને બચશે. ઈ-સમન્સ કોર્ટ દ્વારા કાઢ્યા બાદ પોલીસ જે તે વ્યક્તિને મોબાઈલ ફોન પર અથવા ઈમેલથી મોકલી આપશે. જ્યારે ઈ-સૃતિ હેઠળ રાજ્યની તમામ જેલને કોર્ટની વીડિયો કોન્ફરન્સ સિસ્ટમ સાથે જોડી દેવાશે. માટે કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી જ હાજર રાખવામાં આવશે. જેનાથી પોલીસ જાપ્તાની પોલીસનો સમય અને લાવવા-લઈ જવાનો ખર્ચ પણ બચી જશે. આ સિસ્ટમથી દેશભરની કોર્ટમાં આરોપીને રજૂ કરાશે.
નવા કાયદાની સમીક્ષા બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર હતા. આ દરમિયાન ગુજરાત પોલીસની કામગીરીની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રશંસા કરી હતી. ઉપરાંત FSL સહિતની ખૂટતી કડીઓને માર્ચ મહિના સુધીમાં પૂર્ણ કરી દેવા સૂચના પણ આપી હતી.