હવામાન વિભાગે આગામી 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે
ગુજરાતમાં અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રીએ ઍલર્ટ વાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાને લઈને સૂચના આપી છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ.
રાજ્યમાં આજે ગુરુવારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આવતીકાલે શુક્રવારે એટલે કે 23 મેથી 25 મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
26 મેની આગાહી
આગામી 26 મેના રોજ રાજ્યના 15 જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂકાવવાની સાથે મેઘગર્જના થશે.ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યમંત્રીએ કંટ્રોલરૂમ શરુ કરવાની સૂચના આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વહીવટી તંત્રોને સતર્ક-સજાગ રહેવા આદેશ આપ્યા છે. યલો ઍલર્ટ વાળા જિલ્લામાં 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા CM ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. સમગ્ર દેશમાં કમોસમી વરસાદનું જોર દિવસો પછી પણ યથાવત્ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉપરોક્ત વાવાઝોડાની શક્યતા દર્શાવતી સિસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જારી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ગુજરાત કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.