વોશિંગ્ટન ડી.સી.
આજે અમેરિકાના પ્રમુખપદે શપથ લઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જ આપેલી ગેરેન્ટી મુજબ તેમના પ્રમુખપદની 48 કલાક પુર્વે જ ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ વિરામ અને બંધકોની આપલેને સફળ બનાવ્યા બાદ હવે તેઓએ મધ્યપુર્વમાં અરાજકતાનો અંત લાવવા અને ત્રીજુ વિશ્ર્વયુદ્ધ શરૂ થવા નહી દઉ તેવા હુંકાર સાથે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુદ્ધનો પણ તેઓ અંત લાવશે તેવી જાહેરાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિના કાર્યક્રમોથી અમેરિકામાં શરૂઆત થઈ ગઈ છે. તેઓએ ગઈકાલે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન’ રેલીને સંબોધન કરતા કહ્યું કે આપણે અમેરિકાને અગાઉથી પણ અનેકગણો વધુ મહાન બનાવવા જઈ રહ્યા છીએ. કાલે તા.20ના બપોર બાદ દેશને તેનું ગૌરવ પરત મેળવવાના કામનો પ્રારંભ થશે. તેઓએ કહ્યું કે અમેરિકાના ચાર વર્ષ લાંબા પતનનો અંત આવી ગયો છે અને અમેરિકી શક્તિ અને સમૃદ્ધિ, સન્માન અને ગૌરવના એક નવા દિવાની શરૂઆત કરી રહ્યા છીએ. ટ્રમ્પે તેમના પુરોગામી બાઈડન શાસનની આકરી ટીકા કરી હતી અને તેમને એક અસફળ, ભ્રષ્ટ રાજકીય પ્રતિષ્ઠાનના શાસન તરીકે ગણાવ્યુ હતું અને કહ્યું કે અમો તેને સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ અને હવે તે સહન કરાશે નહી.
શ્રી ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધના અંત લાવવાની ખાતરી આપતા કહ્યું કે મધ્યપુર્વમાં જે અરાજકતા છે તેનો પણ અંત આવશે. હું ત્રીજું વિશ્ર્વયુદ્ધ થવા દઈશ નહી. તેઓએ ઉમેર્યુ કે આપણે ત્રીજા વિશ્ર્વ યુદ્ધની ખૂબજ નજીક આવી ગયા છીએ તે ભાગ્યેજ કોઈને ખબર હશે પણ હું તે થવા દઈશ નહી. તેઓએ કહ્યું કે અમેરિકનોએ દેશભક્તિ વધારવા અને શાળાઓમાં પણ તેઓ આ અંગે ખાસ આયોજન કરશે.
તેઓએ દેશમાં કટ્ટરવાદી-ડાબેરીઓને કોઈ સ્થાન નહી હોવાનું જણાવી તેમને બહાર કાઢવા ખાતરી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાષ્ટ્રપતિપદે આવતા જ 100 જેટલા એકઝીકયુટીવ ઓર્ડર પર સહી કરશે અને તે આ દેશમાં અમેરિકામાં જે ગેરકાનૂની વિદેશીઓ રહેશે. તેમને હાંકી કાઢવા ખાસ કાર્યક્રમ પણ શરૂ થશે તથા ચાર વર્ષ અગાઉ જે રીતે કેપીટલ હીલ પરના હુમલામાં તેના સમર્થકો પર કેસ છે તે તમામ પાછા ખેંચવાની જાહેરાત કરશે.