
કોમોડિટી કારોબાર:
ગર લગેગી આગ તો આયેંગે ઘર કઈ જદ મેં, યહાં સીર્ફ હમારા હી મકાન થોડે હી હૈ.. રાહત ઇન્દૌરીની આ પંક્તિ હાલ યુ.એસ. માર્કેટ પર બરબાર બંધ બેસે છે. ડોનાલ્ડ ટ્રમ્પ યુ.એસ.ના રાષ્ટ્રપતિ બન્યા પછી જે રીતે ‘મવાલી’ની જેમ સાથી દેશો સાથે છીછરું વર્તન કરી રહ્યા છે, તે જોતાં એવું લાગે છે કે તેમને એક અતિ-આત્મવિશ્વાસ છે કે યુ.એસ. એક અત્યંત વિકસિત અને સંપન્ન દેશ છે. તેને અન્ય દેશોની પરેશાનીઓથી કાશી જ લેવાદેવા નથી.
આવાં જ ઓવર-કોન્ફિડેન્સમાં તેમણે બેફામ “ટેરિફ.. ટેરિફ” નું રટણ શરૂ કર્યું છે. તેઓ પાછળ વળીએ જોવા સુદ્ધાંની તસ્દી નથી લેતાં કે કયા દેશે યુ.એસ.નો ક્યારે સાથ આપ્યો છે, ક્યારે કોણ તેમની સાથે ઊભું રહ્યું હતું અને કોણે તેમની વિરુદ્ધના ષડયંત્રો રચ્યા હતા. ગયા મહિને સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં યુક્રેન પરના આક્રમણ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારે અત્યાર સુધી ક્યારેય ન બનેલ ઘટના ઘટી અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રોમાં રશિયાની તરફેણમાં વોટ આપ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ યુ.એસ.ના મિત્ર દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરે છે અને બીજી તરફ પુટીન, કીમ જોંગ જેવા સરમુખત્યારો સાથે ખૂબ વિનમ્રતા દાખવે છે.
ટ્રમ્પના આ ગાંડપણને કારણે આજે રશિયા જબ્બર આત્મવિશ્વાસમાં આવી ગયું છે અને હવે પોતાને સૌથી મોટી મહાસત્તા સાબિત કરવા આગળ વધી રહ્યું છે. યુરોપમાં એક જાતનો તણાવ પેદા થયો છે અને યુરોપીયન દેશો માની રહ્યા છે કે યુ.એસ. હવે ‘ભરોસાપાત્ર સાથી’ નથી રહ્યો. ફ્રાંસ, જર્મનીએ પોતાના રક્ષા બજેટમાં વધારો કરવાનું પ્રસ્તાવિત કર્યું છે અને હવે તેઓ પોતાના સેનાઓને મજબૂત કરવા લાગ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી ‘ઇંટેલિજન્સ સહાય’ બંધ કરી છે. હવે યુક્રેનના સૈનિકોને યુ.એસ.ની સેટેલાઈટ પ્રણાલીઓથી મળતી ઇંટેલિજન્સ ઈન્પુટ્સ બંધ થઈ જશે. તેવામાં તેમનું રશિયન સેના સામે ટકી રહેવું ભારે કપરું બન્યું છે.
આવી ડામાડોળ રાજકીય પરિસ્થિતિઓને કારણે ગત સપ્તાહે ડાઉ જોન્સ અઢી ટકા, નેસ્ડેક સવા ત્રણ ટકા અને S&P500 ત્રણ ટકાથી વધુ તૂટ્યા, તો ડોલર ઇન્ડેક્સમાં લગભગ સાડા ત્રણ ટકાનું ગાબડું જોવા મળ્યું. યુરો સામે ડોલર ચાર ટકાથી વધુ અને યેન સામે દોઢ ટકાથી વધુ તૂટ્યો. ડોલર ઢીલો પડતાં કોમોડિટીના ભાવોમાં ઉછાળા જોવા મળ્યા. આમ, હાલમાં કોમોડિટીના ભાવવધારા ડોલરના ઘટાડાને આભારી છે. જ્યારે એનર્જી વાયદા જોઈએ તો વિતેલા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ (યુ.કે. ઓઇલ)માં સાડા ત્રણ ટકાનો કડાકો જોવા મળ્યો. તેને પરિણામે MCX 19 માર્ચની એક્સપાયરીવાળા વાયદામાં સાડા પાંચ ટકાથી વધુનો ઘટાડો જોવાયો. સ્ટોક ટુડેમાં છેલ્લા ચાર મહિનાથી જણાવતાં રહ્યા છીએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ સતત નીચા માથાળા બનાવી રહ્યું છે, જ્યારે 70 ડોલર આસપાસ તે સતત ટેકો લઈ રહ્યું છે. જ્યારે કોઈપણ સ્ટોક, ઇન્ડેક્સ કે કોમોડિટી સતત નીચાં માથાળા બનાવતુ રહે અને એક જ ભાવે ટેકો લેતું રહે, ત્યારે આવો ટેકો તૂટી પાડવાની શક્યતા વધારે રહે છે. ગયા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ 70 ડોલરની નીચે સરકવા છતાં શુક્રવારે બંધ થતાં સુધીમાં 70.45 ડોલર આવી ગયું હતું. પરંતુ, હવે આ 70 ડોલરનું સ્તર કેટલો સમય જલવાયેલું રહે છે, તે પ્રશ્ન છે. આગામી સમયમાં બ્રેન્ટ ક્રૂડ 60 ડોલર સુધીના નીચાં ભાવો બતાવી શકે તેમ છે.
ક્રૂડના ભાવો ઘટતાં હોવા છતાં શેરબજાર પર તેની સકારત્મ્ક અસરો જોવાવાની શક્યતાઓ ધૂંધળી છે. હાલ સમગ્ર બજારો ટ્રમ્પના તરંગી તુક્કાઓ સામે ઝઝૂમી રહ્યા છે. એક દિવસ સવારે ટ્રમ્પ મેક્સિકોથી આયાત થતાં માલસામાન પર જંગી ટેરિફ લાદવાની જાહેરાત કરે, તો સાંજે મેક્સિકો પોતાના ત્યાં સ્થપયેલી યુ.એસ.ની ફેક્ટરીઓમાં બનેલ માલ પર જ જંગી ડ્યૂટી લાદવાની જાહેરાત કરે છે. બીજા દિવસે સવારે ટ્રમ્પ યુ.એસ. દ્વારા લાદવાની ટેરિફ મોકૂફ રાખે છે. હવે આમાં પહેલી જાહેરાતના પગલે વિકાસશીલ દેશોની ઓટોમોબાઈલ કંપનીઓના શેર્સ ગગડી જાય અને બીજા દિવસની જાહેરાતમાં પાછા સુધરવા માંડે.!! યુદ્ધગ્રસ્ત કોઈક દેશના રાષ્ટ્રાધ્યક્ષ ટ્રમ્પને મળવા આવ્યા હોય અને ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સમાં તેમનાં ચાળા પાડે, “આઈ ડોન્ટ વોન્ટ સીઝફાયર..”! ઝેલેન્સકીને ‘મધ્યમ દરજ્જાના કોમેડિયન’ કહેનાર ટ્રમ્પે પોતાને ‘ઉચ્ચ દરજ્જાના કોમેડિયન’ પૂરવાર કર્યા છે. તેવામાં હાલ બજારમાં નફો કમાવો હોય તો દૂરના લિમિટ ઓર્ડર્સ મૂકી રાહ જોવી. ક્યાક કોઈક ‘કોમેડી’ થતાં જે તે લિમિટ પાસ થઈ જાય અને પછી બીજા-ત્રીજા દિવસે સારો એવો નફો મળે!