નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે
૦ માત્ર એક વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૭ ટકાનો વધારો નોંધાયો
૦ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી બંને બાજુ વિકાસ થયો
શિક્ષણને વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન માનનારા વડાપ્રધાનશ્રીએ નવી શિક્ષણ નીતિ દ્વારા ભારતના ભવિષ્યના નાગરિકોને આધુનિકતા અને સંસ્કાર સાથે ઘડવાની દિશામાં મજબૂત પગલાં ભર્યાં છે. ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે.
તેમણે કહ્યું કે, પ્રાચીન ગુરુકુળ પરંપરામાં રાજકુમારો ઋષિ મુનિઓ પાસેથી શિક્ષા અને દિક્ષા મેળવતા હતા. ભગવાન રામે વશિષ્ઠ અને વિશ્વામિત્ર મુનિ પાસેથી શિક્ષણ લીધું હતું, તો ભગવાન શ્રી કૃષ્ણે સાંદીપની ઋષિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એ જ ગુરુકુળ સંસ્કૃતિ આજે આધુનિક માધ્યમો સાથે ફરી પ્રાચીન પરંપરાને ઉજાગર કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો હતો. તેમની સાથે સંતોમહંતો અને મહાનુભાવો પણ જોડાયા હતા.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, આજના સમયમાં આવી સંસ્થાઓ આપણી ગુરુકુળ પરંપરાને આધુનિકતાની સાથે જોડીને વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં, પરંતુ જીવન ઘડતર માટેની મૂલ્યનિષ્ઠ, સંસ્કારયુક્ત તાલીમ પણ આપી રહી છે.
આધુનિક છાત્રાલય અને ટેક્નોલોજીથી સુસજ્જ સ્કૂલ કેમ્પસની સ્થાપનાથી શિક્ષણક્ષેત્રે એક નવી યાત્રા શરૂ થઈ રહી છે. સ્વામિનારાયણ સંસ્થાનું આ ગુરુકુળ, વિશિષ્ટ રીતે રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને આધ્યાત્મના આધાર પર ઉજ્જવળ ભવિષ્ય માટેની પેઢી તૈયાર કરશે. તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, પ્રાચીન નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠોની પરંપરાને આગળ વધારતી નવી શિક્ષણ નીતિ હેઠળ વડાપ્રધાનશ્રીએ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે. પ્રથમવાર ભારતની પરંપરા સાથે સંકળાયેલી અને માતૃભાષા આધારિત શિક્ષણ વ્યવસ્થા અમલમાં આવી છે.