ઓકટોબરમાં રૂપિયા ૪૧૮૮૭ કરોડની સરખામણીએ નવેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ ઈન્ફલોસ ૧૪.૨૦ ટકા ઘટી રૂપિયા ૩૫૯૪૩.૪૯ કરોડ રહ્યો હતો. લાર્જ-કેપ તથા થીમેટિક-સેકટરલ ફન્ડસમાં ઈન્વેસ્ટમેન્ટ ધીમુ પડતા એકંદર ઈન્ફલોસ ધીમો પડયો છે, એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઓફ ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા જણાવે છે. ફન્ડ ઉદ્યોગમાં ઈન્ફલોસમાં એકંદર ૭૫ ટકા ગાબડુ પડયું છે.
ઓપન એન્ડેડ ઈક્વિટી ફન્ડસમાં સતત ૪૫માં મહિને ઈન્ફલોસ પોઝિટિવ રહ્યો છે. ગયા મહિને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફત મન્થલી ઈન્વેસ્ટમેન્ટસ રૂપિયા ૨૫૩૨૦ કરોડ રહ્યું હતું જે ઓકટોબરમાં રૂપિયા ૨૫૩૨૩ કરોડ જોવા મળ્યું હતું.
ગયા મહિને શેરબજારની કામગીરી નબળી રહેતા ઈક્વિટી ફન્ડ ઈન્ફલોસમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું એમ્ફીના સુત્રોએ જણાવ્યું હતું. નવેમ્બરમાં સેન્સેકસ ૦.૨૭ ટકા અને નિફટી ૦.૩૧ ટકા ઘટયો હતો.મ્યુચ્યુઅલ ફન્ડસ ઉદ્યોગમાં એકંદર ઈન્ફલોસ નવેમ્બરમાં રૂપિયા ૬૦૨૯૫ કરોડ રહ્યો હતો જે ઓકટોબરમાં રૂપિયા ૨.૪૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો. નવેમ્બરમાં ફન્ડ ઉદ્યોગમાં એકંદર ઈન્ફલોસ ઓકટોબરની સરખામણીએ ૭૫ ટકા નીચો રહ્યો છે.
ઈક્વિટી ફન્ડસમાં સતત નેટ ઈન્ફલોસ રોકાણકારોનો ઈક્વિટીસમાં પોઝિટિવ મૂડ હોવાનું સૂચવે છે. જો કે ઈક્વિટી ફન્ડ સેગમેન્ટમાં લાર્જ કેપ ફન્ડસમાં ઈન્ફલોસમાં ઓકટોબરની સરખામણીએ ૨૬ ટકા ઘટાડો રહીને તે રૂપિયા ૨૫૪૭.૯૨ કરોડ રહ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ફન્ડસમાં ઈન્ફલોસ ૯ ટકા વધી રૂપિયા ૪૧૧૧.૮૯ કરોડ જ્યારે મિડ-કેપ ફન્ડસમાં ૪.૩૦ ટકા વધી રૂપિયા ૪૮૮૩.૪૦ કરોડનો ઈન્ફલોસ રહ્યાનું એમ્ફીના ડેટા જણાવે છે.
વિવિધ બૃહદ આર્થિક પરિબળોને પરિણામે તથા અમેરિકામાં ચૂંટણીને કારણે ભારત સહિત વૈશ્વિક ઈક્વિટી બજારોમાં અનિશ્ચિતતાને કારણે નવેમ્બર મહિનો ભારે વોલેટાઈલ રહ્યો હતો. આ ઉપરાંત ભૌગોલિકરાજકીય તાણની પણ અસર જોવા મળી હતી. અનિશ્ચિત વાતાવરણ વચ્ચે રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી અને એકસાથે મોટી રકમ ઠાલવવાથી દૂર રહ્યા હતા.
થીમેટિક-સેકટરલ ફન્ડસમાં ઈન્વેસ્ટમેન્ટસ નીચું રહેતા ઈન્ફલોસ ૩૭.૬૦ ટકા ઘટી રૂપિયા ૭૬૫૭.૭૫ કરોડ રહ્યો હતો. હાઈબ્રિડ ફન્ડસ જે ઈક્વિટી,ડેબ્ટ તથા કોમોડિટીસમાં રોકાણ કરે છે તેમાં ઈન્ફલોસ ૭૬ ટકા ઘટી રૂપિયા ૪૧૨૩.૬૯કરોડ રહ્યો હતો. નવેમ્બરના અંતે દેશના મ્યુચ્યુઅલ ફન્ડોની એકંદર એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂપિયા ૬૮.૦૮ લાખ કરોડ રહી હતી, જે ઓકટોબરમાં રૂપિયા ૬૭.૨૫ કરોડ રહી હતી.