12 મેચ બાકી હતા તે સમયે જ સરહદી પરીસ્થિતિને કારણે નિર્ણય લેવો જરૂરી બન્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તનાવ અને હવાઈ હુમલાના ભયે વિમાની મથકો અને વિમાની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે તેના પગલે હાલ રમાઈ રહેલ ઈન્ડીયન પ્રીમીયર લીગને સ્થગીત કરી દેવામાં આવી છે. ગઈકાલે જ ધરમશાલામાં દિલ્હી અને પંજાબનો મેચ અધવચ્ચેથી પડતો મુકવો પડયો હતો અને ખેલાડીઓને સલામત કરી દેવામાં આવ્યા હતા તેમજ તેમને વંદેભારત ટ્રેન મારફત અન્ય સ્થળે ફેરવવામાં આવ્યા હતા.
હાલ જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે તે જોતા હાલમાં વિમાની સેવાઓ પુર્વવત થાય તેવી શકયતા નથી. આ ઉપરાંત મેચના કારણે સ્ટેડીયમમાં ફલડ લાઈટ વગેરેની સુવિધાઓ ઉભી કરવી પડે છે અને રાત્રીના હવાઈ હુમલાની શકયતા જોતા બ્લેકઆઉટ વગેરેની પણ આવશ્યકતા રહે છે તેમજ કોઈપણ સમયે હુમલાને કારણે સ્ટેડીયમ વગેરેમાં પણ અફડાતફડી સર્જાય તેવી સ્થિતિ બને તે જોતા હાલ આઈપીએલની તમામ મેચો મુલત્વી રાખવામાં આવી છે.
આ અંગે ક્રિકેટ બોર્ડે તેના તમામ ફ્રેન્ચાઈઝીઓને જણાવી દીધુ છે અને નવી વ્યવસ્થા અંગે ટુંક સમયમાં જાહેરાત કરાશે. જો કે જે રીતે આઈપીએલનું શેડયુલ છે તે જોતા આ સ્પર્ધાને ટુંક સમયમાં જ ફરી રમાડવી શકય નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે જે રીતે પાકિસ્તાનના શહેરોને ટાર્ગેટ કર્યા છે તેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ આ દેશમાં રમાઈ રહેલ પાકિસ્તાન સુપર લીગને યુએઈમાં ફેરવી છે પરંતુ ક્રિકેટ બોર્ડ તે કરવા માંગતુ નથી. આઈપીએલની 12 મેચો બાકી હતી તે અંગે ભવિષ્યમાં નિર્ણયો લેવાશે.